• ગુરુવાર, 12 માર્ચ, 2026

કચ્છના ગ્રામીણ વિસ્તારમાં અઢી હજારથી વધુ દબાણ

ભુજ, તા. 11 : રાજ્યની સાથે કચ્છમાં પણ ગેરકાયદે દબાણો માથાંના દુ:ખાવારૂપ સમસ્યા બની છે. શહેર હોય કે ગ્રામીણ વિસ્તાર દબાણનો મુદ્દો સતત પેચીદો જ જોવા મળે છે. કચ્છના ગ્રામીણ વિસ્તારની વાત કરીએ, તો ગાચરની સાથે ગામતળમાં દબાણોનો વ્યાપ ઘટવાના બદલે સતત વધી રહ્યો છે. જિલ્લા પંચાયતની દબાણ શાખામાં સત્તાવાર રીતે જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં અઢી હજારથી વધુ દબાણ હોવાનું આંકડાકીય માહિતી આપતા જણાવાયું છે.   - ગૌચર કરતાં ગામતળમાં પાંચ ગણા દબાણ : ગ્રામ્ય વિસ્તારમાં દબાણ પર સઘન મોનિટારિંગ રાખવા માટે ખાસ દબાણ શાખા કાર્યરત કરાઈ છે. દબાણ શાખામાં નોંધાયેલા સત્તાવાર આંકડા અનુસાર ગૌચર કરતાં પાંચ ગણા દબાણ ગામતળમાં નોંધાયેલાં છે. વર્તમાન સ્થિતિએ જિલ્લામાં 436 જેટલા ગૌચર અને 2112 જેટલા ગામતળ મળી 2548 દબાણ ચોપડે નોંધાયેલાં છે. - એક વર્ષમાં 600 દબાણ હટાવાયાં : તંત્રવાહકો દ્વારા સત્તાવાર રીતે અપાયેલા આંકડામાં એક વર્ષના ગાળામાં 600 જેટલાં  દબાણ હટાવાયાનું જણાવાયું છે. આમ, દબાણો હટાવાતા હોવા છતાં દબાણોની સમસ્યા કાયમી ધોરણે ઉકેલાતી નથી એ એક કડવી વાસ્તવિક્તા છે. દબાણ શાખા દ્વારા દોઢસોથી વધુ દબાણ પણ શોધી કઢાયાં છે. - ગામતળમાં દબાણો હટાવવાં વધુ પડકારજનક : જિલ્લાના ગ્રામીણ વિસ્તારમાં ગૌચરની સરખામણીએ ગામતળનાં દબાણો હટાવવાં વધુ પડકારજનક દેખાઈ રહ્યાં છે. એક વર્ષના ગાળામાં 418 ગૌચર દબાણ દૂર કરાયાં તેની સામે ગામતળનાં દબાણો હટાવાયાંની સંખ્યા 188 જેટલી છે. એટલે કે ગૌચરની સરખામણીએ ગામતળનાં દબાણો અડધા પણ હટયાં નથી. 

Panchang

dd