મુંબઈ, તા. 15 : દેશમાં ઓકટોબરનો ફુગાવો ખાસ કરીને
ખાદ્ય પદાર્થનો ફુગાવો વધીને આવતાં કેન્દ્ર સરકાર સફાળી જાગી ગઈ છે અને ખાદ્ય પદાર્થના
ભાવમાં હજુ વધારો ન થાય તે માટે સખત પગલાં લેવાનું શરૂ કરી દીધું હોવાનું પ્રાપ્ત માહિતી
પરથી જણાય છે. ખાદ્ય પદાર્થ ખાસ કરીને અનાજ-કઠોળના ટ્રેડરોને સંગ્રહખોરીથી દૂર રહેવા
અને સ્ટોક લિમિટ તથા સ્ટોક બાબતે માહિતી પૂરી પાડવા અપાયેલી સૂચનાનું પાલન કરવા હિસ્સેદારોને
નિર્દેશ આપવામાં આવી રહ્યા હોવાનું બજારના સૂત્રોએ જણાવ્યું હતું. ગ્રાહક બાબતોના મંત્રાલયના
અધિકારીઓએ મોટી રિટેઈલ ચેઈન, પ્રોસેસ, આયાતકારો, સ્ટોકિસ્ટો તથા રિટેઈલરો સાથે સપ્તાહના અંતે
બેઠક યોજી હતી. તહેવારો સમાપ્ત થઈ ગયા છે અને માંગ પણ ઘટી ગઈ છે, ત્યારે ખાદ્ય પદાર્થના ભાવ વધવાનું કોઈ કારણ હવે રહ્યું નહીં હોવાનું સરકાર
તરફથી બેઠકમાં સ્પષ્ટ કરાયું હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું. ખાંડ ઉદ્યોગ માટે લાગુ
કરાયેલી સ્ટોક મર્યાદાનું પાલન નહીં કરવા બદલ પગલાં લેવા ઉપરાંત બીજા સખત પગલાં લેવાની
ચેતવણી પણ ઉચ્ચારવામાં આવી છે. ખાદ્ય પદાર્થોના ઊંચા ભાવોને પરિણામે ભારતનો ઓક્ટોબરનો
રિટેઈલ ફુગાવો વધીને 6.09 ટકા પહોંચી ગયો હતો, જે રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા (આરબીઆઈ)ની છ ટકાની મહત્તમ ટાર્ગેટ મર્યાદાથી ઊંચો
છે. ઓઁકટોબરમાં સતત નવમા મહિને ફુગાવો વધીને આવ્યો છે. રિટેઈલ ફુગાવો જે જાન્યુઆરીમાં
2.74 ટકા
હતો તે ઓકટોબરમાં બમણા કરતાં પણ ઊંચો રહ્યો છે. ખાદ્ય પદાર્થનો ફુગાવો જે સપ્ટેમ્બરમાં
7.74 ટકા
હતો તે ઓક્ટોબરમાં વધી 8.94 ટકા પહોંચી ગયો છે. સરકાર પાસે કઠોળનો હાલમાં પૂરતો
બફર સ્ટોક છે એટલું જ નહીં ખરીફ તથા રવી મોસમમાં કઠોળનું ઉત્પાદન સારું રહેવાની અપેક્ષા
હોવાનું પણ સરકાર તરફથી બેઠકમાં સ્પષ્ટ કરાયું હતું.