• મંગળવાર, 10 નવેમ્બર, 2026

હાર બાદ ટ્રમ્પના મિજાજ ઢીલા પડયા

વોશિંગ્ટન, તા. 9 : અમેરિકામાં તાજેતરમાં સંપન્ન થયેલી મિડટર્મ ચૂંટણીમાં રિપબ્લિકન પાર્ટીને થયેલા મોટા રાજકીય ઝટકા બાદ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના તેવરમાં નરમાઈ જોવા મળી રહી છે. ઈરાન સાથે ચાલી રહેલા સંઘર્ષ વચ્ચે ટ્રમ્પે નિવેદન આપ્યું છે કે, જો ઈરાન સાથેની વાતચીત સકારાત્મક દિશામાં આગળ વધતી રહેશે, તો અમેરિકાને ફરીથી યુદ્ધના મેદાનમાં કૂદવાની કે સૈન્ય કાર્યવાહીનો આદેશ આપવાની જરૂરિયાત ઊભી થવાની શક્યતા નહીંવત છે. સીએનએન સાથેની ટેલિફોનિક વાતચીતમાં ટ્રમ્પે સ્પષ્ટ કર્યું છે કે, આ સમગ્ર મામલો તે વાત પર નિર્ભર કરે છે કે શું ઈરાન કોઈ મજબૂત અને વ્યાપક સમજૂતી (ડીલ) પર હસ્તાક્ષર કરવા તૈયાર થાય છે કે નહીં. તેમણે સ્વીકાર્યું કે, તાજેતરની વાતચીતમાં સમજી શકાય તેવી પ્રગતિ થઈ છે. જો કે, તેમણે આ સાથે એ પણ દોહરાવ્યું હતું કે, અમેરિકા કોઈ પણ સંજોગોમાં ઈરાનને પરમાણુ હથિયાર હાસલ કરવા નહીં દે. એક તરફ ટ્રમ્પે વાતચીત દ્વારા મામલો ઉકેલવાની આશા વ્યક્ત કરી છે, તો બીજી તરફ અમેરિકન સેનાની તાકાત અને સજ્જતા વિશે વાત કરતાં તેમણે કડક શબ્દોમાં કહ્યું છે કે, અમેરિકન સેના સંપૂર્ણપણે તૈયાર છે. ટ્રમ્પે દાવો કર્યો છે કે, તેમની સેનાએ ઈરાનના 38 પુલ સહિતના અનેક મહત્ત્વપૂર્ણ માળખાકીય સ્થળોને પોતાના નિશાન પર રાખ્યા છે, જેને જરૂર પડયે માત્ર એક જ કલાકમાં નેસ્તનાબૂદ કરી શકાય છે. જો કે, તેમણે એમ પણ ઉમેર્યું હતું કે, તેઓ ઈરાનનાં માળખાંને સંપૂર્ણપણે નષ્ટ કરવા નથી માગતા, કારણ કે, તેને ફરીથી બનાવવામાં આશરે 10 વર્ષનો સમય લાગી શકે છે. ટ્રમ્પનું આ નવું વલણ એવા સમયે સામે આવ્યું છે, જ્યારે 3 નવેમ્બરે યોજાયેલી મિડટર્મ ચૂંટણીમાં ડેમોક્રેટિક પાર્ટીએ મોટી જીત મેળવીને સંસદના બંને સદન (પ્રતિનિધિ સભા અને સેનેટ) પર પોતાનું નિયંત્રણ સ્થાપિત કરી લીધું છે.

Ram Katha

Vyapar Utsav

Panchang

dd