કચરા, બાવળો, ખાલી પ્લોટ અને છત ઉપરનાં ઝૂંપડામાં લાગેલી આગ પાલિકાના ફાયર વિભાગે બુઝાવી
ગાંધીધામ, તા. 9 : ગાંધીધામ-આદિપુર જોડિયા શહેરો અને આસપાસમાં દિવાળીમાં ફટાકડાઓના કારણે લગભગ 16થી વધુ જગ્યા ઉપર આગના બનાવો બન્યા હતા અને મહાનગરપાલિકાના ફાયર વિભાગ દ્વારા આખી રાત કચરાના ઢગલા તથા બાવળ તેમજ ખાલી પ્લોટ અને છત ઉપરના ઝૂંપડામાં લાગેલી આગ એક પછી એક બુજાવવામાં આવી હતી. ગાંધીધામ-આદિપુર જોડિયા શહેરો અને સંકુલમાં લોકોએ કરોડો રૂપિયાના ફટાકડા આખી રાત ફોડયા છે. આ ફટાકડાઓના કારણે અલગ-અલગ વિસ્તારોમાં આગના બનાવો બન્યા છે. સદનસીબે કોઈ મોટી દુર્ઘટના કે અકસ્માત સર્જાયો નથી, પરંતુ નાના-મોટા આગના 16થી વધુ બનાવ બન્યા છે, જેમાં આદિપુર શિવમ હોસ્પિટલની સામે એસ.આર.સી.ના ખાલી પ્લોટમાં, 4/બી એક્સેલસિયર સ્કૂલની પાછળ બાવળની ઝાડીઓમાં, ઓમ સિનેમાની સામે ખાલી પ્લોટમાં આગ, આદિપુર બસ સ્ટેશનની સામે કેબિનમાં, આદિપુર 1/એની સામે એસઆરસીના ખાલી પ્લોટમાં, મુંદરા સર્કલની બાજુમાં બાવળની ઝાડીઓમાં આગ, ડીસી-5ની પાછળ બાવળની ઝાડીઓમાં, આદિપુર બાલાજી બ્લોકની સામે ખાલી પ્લોટમાં, આદિપુર પોસ્ટ ઓફિસની બાજુમાં લાકડામાં, આદિપુર પોલીસ સ્ટેશનની બાજુમાં એસ.આર.સી. ખાલી પ્લોટમાં, આદિપુર જુમાપીર ફાટકની સામે ફોરેસ્ટ ગાર્ડનમાં બાવળની ઝાડીઓમાં આગ લાગી હતી. જ્યારે ગાંધીધામમાં ઓસ્લો નારીચણિયા હનુમાન મંદિરની બાજુમાં કચરામાં, કચ્છ કલા રોડ-જૂનું પોલીસ સ્ટેશન-નૈતિક કોમ્પ્લેક્સ પ્લોટ નં. 222, 12/બીની ઉપર છતના ઝૂંપડામાં, ગોપાલપુરી કોલોની અંદર ખાલી પ્લોટ કચરામાં, શનિવારી માર્કેટની બાજુમાં ખાલી પ્લોટ બાવળની ઝાડીઓમાં, જગજીવન ટાંકાની પાછળ કચરામાં આગ લાગી હતી. મહાનગરપાલિકાનો ફાયર વિભાગ આખી રાત દોડતો રહ્યો હતો અને અલગ-અલગ જગ્યાઓ પર લાગેલી આગ ઉપર સતત પાણીનો મારો ચલાવીને કાબૂમાં મેળવી હતી. આ ઉપરાંત તો અનેક નાની-મોટી જગ્યા ઉપર સામાન્ય આગનાં છમકલાં થયાં હતાં. ઘણી જગ્યાઓ પર લોકોએ પાણી નાખીને આગ બુઝાવી હતી, તો ઘણી જગ્યાએ ઉપર આપમેળે આગ ઓલવાઈ ગઈ હતી.