અન્ય એક પુત્ર ઘાયલ : બનાવનાં પગલે લોકોમાં રોષ ભભૂકતાં અકસ્માત સર્જનારી કાર સળગાવી : પોલીસની દોડધામ
ભુજ, તા. 9 : મેઘપર-નારાણપર વચ્ચે ગઇકાલે રાત્રે બે બાઇકને કારે અડફેટે લેતાં ભારાપરના પિતા-પુત્ર એવા નારાણ કાનજી મહેશ્વરી (ઉ.વ. 45) અને પુત્ર કાર્તિક (ઉ.વ. 22)નું ઘટનાસ્થળે જ મૃત્યુ થયું હતું. જ્યારે મૃતક નારાણભાઇના અન્ય પુત્ર ભરતને ઇજા પહોંચતાં સારવાર તળે ખસેડાયો છે. કારચાલક અકસ્માત સર્જી કાર મૂકી નાસી છૂટયો હતો. આ ગમખ્વાર-કરુણ અકસ્માતના પગલે સમાજ તેમજ સ્થાનિક લોકોમાં રોષ ભભૂકતાં કારને સળગાવી દીધી હતી. ભારેલા અગ્નિ જેવી સ્થિતિ બનતાં ઘટનાસ્થળે પોલીસ કાફલો ધસી ગયો હતો અને પરિસ્થિતિ પર કાબૂ મેળવ્યો હતો. લોકોમાં આક્રોશ ફેલાવનાર આ ગમખ્વાર અકસ્માત અંગે ઘાયલ એવા ભરત નારાણ મહેશ્વરી (રહે. ભારાપર)એ માનકૂવા પોલીસ મથકે દાખલ કરાવેલી ફરિયાદ મુજબ તે તથા તેના પિતા અને ભાઇ બે મોટર સાઇકલ નં. જી.જે.-12-એએલ- 4375 તથા જી.જે.-12-એ.પી.- 5519વાળી લઇને ગઇકાલે તા. 8-11ના દિવાળી નિમિત્તે મેઘપરમાં નારણભાઇના ઘરે જમણવારમાં ગયા હતા. ત્યાંથી રાત્રે 11-30 વાગ્યાના અરસામાં વળતાં મેઘપર-નારાણપર વચ્ચેથી પસાર થઇ રહ્યા હતા ત્યારે નારાણપર બસ સ્ટેશનથી 500 મીટર દૂર સફેદ ઇનોવા કાર નં. જી.જે.-12- એફએચ-6832ના ચાલકે તેના કબજાની કાર પૂરપાટ-બેદરકારીથી ચલાવી તેની બાઈક તથા તેના પિતા અને પાછળ બેઠેલા ભાઇની બાઇક સાથે ભટકાવી અકસ્માત સર્જ્યો હતો. કારચાલક અકસ્માત સર્જી કાર મૂકી નાસી છૂટયો હતો. આ અકસ્માતમાં તેના પિતા નારાણભાઇ અને ભાઇ કાર્તિકનું ગંભીર ઇજાનાં પગલે ઘટનાસ્થળે જ મૃત્યુ થયું હતું. જ્યારે તેમને શરીરે છોલછાંભ તથા ફ્રેકચર જેવી ઇજા પહોંચતાં સારવાર તળે છે. દરમ્યાન સંબંધિત સૂત્રો પાસેથી પ્રાપ્ત વિગતો મુજબ પિતા-પુત્રનાં મોતના આ કરુણ અને ગમખ્વાર અકસ્માતના સમાચાર વાયુવેગે પ્રસરતાં સમાજ તથા સ્થાનિક લોકોમાં આક્રોશ વ્યાપ્યો હતો. ઘટનાસ્થળે મોટી સંખ્યામાં લોકો એકત્ર થયા હતા. ટોળાંએ અકસ્માત સર્જનારી કારને આગ ચાંપી સળગાવી દીધી હતી. ભારેલા અગ્નિ જેવા આ બનાવની જાણ પોલીસને થતાં માનકૂવા પોલીસ તથા એલસીબીની ટીમ ઘટનાસ્થળે ધસી ગઇ હતી અને સ્થિતિ પર કાબૂ મેળવ્યો હતો. માનકૂવા પોલીસે ફરિયાદના આધારે કારચાલક વિરુદ્ધ ગુનો દાખલ કરી તપાસ પીએસઆઇ એ.એન. ધાસુરાએ હાથ ધરી છે. તપાસકર્તા શ્રી ધાસુરાનો સંપર્ક કરતાં આરોપીને ઝડપવા તેમણે ચક્ર ગતિમાન કર્યા હોવાનું અને આરોપી હાથવેંતમાં હોવાની વિગતો આપી હતી.