• મંગળવાર, 10 નવેમ્બર, 2026

દિવાળી ખુશીની ઇદ, ખડગેના બોલ પર બબાલ

દિવાળી ખુશીની ઇદ, ખડગેના બોલ પર બબાલ

નવી દિલ્હી, તા. 9 : કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાઅર્જુન ખડગે દ્વારા દિવાળીના પાવન અવસરે આપવામાં આવેલા એક નિવેદનને લઈને દેશમાં મોટો રાજકીય વિવાદ વકર્યો છે. મીડિયા સાથેની વાતચીતમાં દિવાળીની શુભકામનાઓ પાઠવતાં ખડગેએ કહ્યું હતું કે, `આ એક ખૂબ મોટો તહેવાર છે, જેને હિન્દુસ્તાનમાં બધા લોકો મનાવે છે. તેનું એક જ કારણ છે કે, આ ખુશીઓની ઈદ છે, લાંબા સમય સુધી ચાલનારી ઈદ આ જ છે. કોંગ્રેસ અધ્યક્ષ ખડગેના આ નિવેદન બાદ ભાજપે કોંગ્રેસ સામે આક્રમક વલણ અપનાવતાં પાર્ટી પર વોટબેંકની તુષ્ટિકરણની રાજનીતિ કરવાનો અને સનાતનવિરોધી માનસિકતા ધરાવવાનો ગંભીર આરોપ લગાવ્યો છે. ભાજપ પ્રવક્તા ગૌરવ ભાટિયાએ ખડગે અને રાહુલ ગાંધીને પડકાર ફેંકતાં કહ્યું હતું કે, હવે ઈદ આવશે ત્યારે તે તહેવારને ખુશીઓની દિવાળી કહીને મુસ્લિમ સમુદાયને શુભેચ્છા આપજો. આવું કહેવાથી જ કોંગ્રેસની વિચારધારામાં બિનસાંપ્રદાયિકતા સાબિત થશે. ભાજપના પ્રવક્તા સી.આર. કેસવને આકરી પ્રતિક્રિયા આપતાં જણાવ્યું હતું કે, કોંગ્રેસ પાર્ટી પોતાની ઝેરી વોટબેંકની રાજનીતિ સાધવા માટે કરોડો હિન્દુ શ્રદ્ધાળુની આસ્થા અને ભાવનાઓને ઠેસ પહોંચાડવામાં ક્યારેય પાછીપાની કરતી નથી. આ સાથે જ ભાજપે સોનિયા ગાંધી દ્વારા બ્રિટિશ અખબાર `ધ ગાર્ડિયન'ને આપવામાં આવેલા એક ઇન્ટરવ્યૂ અને તેમનાં આગામી પુસ્તક `િબલાંગિંગ : અ જર્ની ઓફ લવ'ના સંદર્ભને પણ આ વિવાદમાં ઢસડી લીધો છે. ભાજપે આક્ષેપ કર્યો છે કે, સોનિયા ગાંધી 6 ડિસેમ્બર 1992ના બાબરી મસ્જિદ તૂટી ત્યારે રોયા હોવાનું કહીને પક્ષની માનસિકતા ઉજાગર કરી રહ્યા છે, જ્યારે પ્રવક્તા પ્રદીપ ભંડારીએ પણ કોંગ્રેસ પર સનાતન વિરોધી હોવાના પ્રહારો કર્યા હતા. આ વિવાદે દેશના મુખ્ય રાજકીય પક્ષો વચ્ચે તહેવારોની મોસમમાં પણ નવી તકરાર અને ઘમાસાણ મચાવી દીધું છે. ભાજપ સતત એવા મુદ્દાઓ ઉછાળી રહી છે, જેમાં કથિત રીતે કોંગ્રેસના ટોચના નેતાઓ દ્વારા હિન્દુ તહેવારો કે પરંપરાઓનું અપમાન કરવામાં આવ્યું હોય. એક તરફ કોંગ્રેસ અધ્યક્ષના આ નિવેદનને લઈને સત્તાધારી પક્ષ દ્વારા ચારેય બાજુથી ઘેરાબંધી કરવામાં આવી રહી છે, ત્યારે આગામી દિવસોમાં આ મુદ્દો રાષ્ટ્રીય રાજકારણમાં વધુ ગરમાવો લાવે તેવી પૂરી સંભાવના છે.

Ram Katha

Vyapar Utsav

Panchang

dd