અમદાવાદ, તા. 24 (અમારા પ્રતિનિધિ તરફથી) : દિવાળીનાં પર્વ ટાણે ગુજરાતના હજારો વરિષ્ઠ નિવૃત્ત કર્મચારીઓ
અને તેમના પરિવારો માટે આનંદદાયક સમાચાર સામે
આવ્યા છે. રાજ્ય સરકારે નાણાં વિભાગનાં માધ્યમથી પાંચમા પગાર પંચ હેઠળ આવરી લેવાયેલા
નિવૃત્ત કર્મચારીઓ માટે મહત્ત્વનો સુધારો કર્યો છે. આ સુધારા અંતર્ગત પાંચમા પગારપંચ
હેડળના પેન્શનરોનું મોંઘવારી ભથ્થું 381 ટકાથી વધારીને 443 ટકા સુધી પહોંચાડવામાં આવ્યું
છે. સરકારે લાંબા સમયથી બાકી રહેલા તબક્કાવાર
એરિયર્સની રોકડ ચૂકવણી માટે પણ મંજૂરી આપી છે. પાંચમા પગારપંચ મુજબ પેન્શન મેળવતા વરિષ્ઠ
નાગરિકોના મોંઘવારી ભથ્થામાં નોંધપાત્ર વધારો કરવાનો વહીવટી નિર્ણય લેવામાં આવ્યો છે.
આ નિર્ણયને પગલે સામાન્ય સરકારી પેન્શનરોની સાથે સાથે ફેમિલી પેન્શન મેળવતી વિધવાઓ
અને આશ્રિતોને પણ સીધો નાણાકીય ટેકો મળશે. નાણા વિભાગ દ્વારા જારી કરાયેલા નિર્દેશો
અનુસાર, આ સમગ્ર જાહેરાતનો લાભ મુખ્યત્વે પાંચમા પગારપંચનાં
માળખાં હેઠળ રહેલા પેન્શનરોને મળશે. સરકારે મોંઘવારી ભથ્થાના દરમાં તબક્કાવાર સમીક્ષા
હાથ ધરીને જૂના 381 ટકાના દરને
બદલીને ક્રમશ 443 ટકા સુધી વિસ્તૃત કર્યો છે.
આ સુધારાથી માસિક પેન્શનની આવકમાં મોટો ઉછાળો જોવા મળશે, જેના કારણે નિવૃત્ત કર્મચારીઓનાં જીવનધોરણમાં
સ્થિરતા આવશે. - સરકારી પેન્શનરો
સાથે ફેમિલી પેન્શનરોને પણ સમાન લાભ : દિવંગત પેન્શનરોના આશ્રિતો એટલે કે ફેમિલી પેન્શન મેળવતા પરિવારોને
પણ આ તમામ સુધારેલા દરો અને એરિયર્સની ચુકવણી સમાન રીતે કરવામાં આવશે. જિલ્લા તિજોરી
કચેરીઓને આ અંગેની તાકીદની માર્ગદર્શિકા મોકલી દેવામાં આવી છે.