નવી દિલ્હી, તા. 24 : નેશનલ કેન્ફરન્સના
અધ્યક્ષ અને કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી ફારૂક અબ્દુલ્લાના `િદલ્હી પાસે તો આશા જ નથી, પાકિસ્તાન રક્ષા કરી રહ્યું છે' તેવાં વિવાદાસ્પદ અને વાંધાજનક નિવેદન પર શનિવારે રાજનીતિનો પારો તપીને ઊંચે
ગયો હતો. ભાજપે આ બયાનને દેશદ્રોહ સમાન ગણાવ્યું છે, તો કોંગ્રેસે પણ ટીકા કરી છે. અબ્દુલ્લાએ કહ્યું હતું
કે, તેઓ (કેન્દ્ર સરકાર) આજે દુનિયાના દબાણને લીધે ચૂપ છે. આપણો
પાડોશી (પાકિસ્તાન) દરેક સ્થળે જઈને કહે છે કે કાશ્મીર મુદ્દો હજુ સુધી ઉકેલાયો નથી
તેને લીધે આપણે બચી શક્યા છીએ બાકી (દિલ્હીના) ઈરાદા સારા નથી. ભાજપ સાંસદ ગિરિરાજસિંહે
પલટવાર કરતાં ફારૂકને `ગદ્દાર' કહી નાખ્યા હતા. ફારૂક અબ્દુલ્લા નમકહરામ છે,
ટૂકડે ટૂકડે ગેંગ છે, તેવું સિંહે કહ્યું હતું.
કેસરિયા પક્ષના પ્રવક્તા આર.પી. સિંહે જણાવ્યું હતું કે, ફારૂક
અબ્દુલ્લાએ સીમાની સામે પાર પણ સ્થિતિ જોવી જોઈએ. ત્યાં વસતા કાશ્મીરીઓની બદહાલ સ્થિતિ
પર નજર કરવી જોઈએ. આપણા દેશમાં કાશ્મીરની સ્થિતિ ઘણી સારી છે તેવું તેમણે ઉમેર્યું
હતું. બીજી તરફ કોંગ્રેસ નેતા ચૌધરી લાલસિંહે કહ્યું હતું કે, અનેકવાર મુખ્યમંત્રી રહી ચૂકેલા ફારૂક અબ્દુલ્લાને રાજનીતિનો ઘણો અનુભવ છે,
પરંતુ હું તેમની વાત સાથે સહમત નથી. પાકિસ્તાનની શું તાકાત છે કે,
જમ્મુ-કાશ્મીરને બચાવી શકે. કાશ્મીર સુરક્ષિત છે તો તે માત્ર હિન્દુસ્તાનના
કારણે જ, તેવું કોંગ્રેસ નેતાએ જણાવ્યું હતું. પૂર્વ મુખ્યમંત્રીના
નિવેદન પર, જમ્મુ અને કાશ્મીર ભાજપ પ્રમુખ સત શર્માએ કહ્યું હતું
કે, `ફારૂક અબ્દુલ્લાએ સમજવું જોઈએ કે તેમને
આ દેશમાં જે કંઈ કહેવું હોય તે કહેવાની સ્વતંત્રતા છે. આ સ્વતંત્રતાને કારણે જ તેઓ
આવા નિવેદનો આપી શકે છે. જો તેમણે પાકિસ્તાનમાં પણ આ જ વાતો કહી હોત, તો કદાચ તેમને બક્ષવામાં ન આવ્યા હોત.'
સત શર્માએ કહ્યું હતું કે, કલમ 370 અમારા પર લાદવામાં આવી હતી
અને તેના અમલ પછી મહિલાઓના અધિકારો છીનવાઈ ગયા હતા. આજે જમ્મુ અને કાશ્મીર સહિત દેશભરના
મુસ્લિમો પરિસ્થિતિને સમજે છે. જમ્મુ અને કાશ્મીરના મુસ્લિમો જાણે છે કે, તેઓ ભારતના હાથમાં સુરક્ષિત છે. ભારતીય જનતા
પાર્ટી આ પ્રકારના વર્તનને સહન કરશે નહીં. તેમણે જાહેરમાં ભારતના લોકોની માફી માગવી
જોઈએ.