• બુધવાર, 21 ઑક્ટોબર, 2026

સમાજને તોડનારા દેશના દુશ્મન : મોદી

નવી દિલ્હી, તા. 20 : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કોઈનું નામ લીધા વિના આજે સમાજને વિભાજિત કરનારા લોકો અને દેશની સંસ્કૃતિ પ્રત્યે નફરત ધરાવતી માનસિકતાને દેશના દુશ્મનો ગણાવ્યા છે. સાથે જ તેમણે લોકોને અપીલ કરતાં કહ્યું કે, આપણે મા ભારતીના શત્રુઓને ઓળખવા પડશે, તેમને પરાસ્ત કરવા પડશે અને રાષ્ટ્ર પ્રથમના સંકલ્પ સાથે સૌએ એકસાથે આવવું પડશે. મોદીએ રાષ્ટ્રીય હિતના મુદ્દાઓમાં એક થવા રાજકીય પક્ષોને પણ હાકલ કરી હતી. વડાપ્રધાન મોદીએ આજે વિજયાદશમીના અવસરે નવી દિલ્હીના આઈપી એક્સટેન્શનમાં આયોજિત રાવણ દહન કાર્યક્રમમાં લોકોને સંબોધિત કરતાં રામરાજ્યનો અર્થ સમજાવ્યો અને તેને સુશાસનનો માપદંડ ગણાવ્યો હતો. તેમણે કહ્યું હતું કે, વનવાસમાંથી પાછા આવ્યા બાદ જ્યારે પ્રભુ શ્રીરામ અયોધ્યાના રાજા બન્યા, ત્યારે તેમણે એવા રામરાજ્યની સ્થાપના કરી, જેને આજે પણ સુશાસનનો માપદંડ માનવામાં આવે છે. ત્યારબાદ રામરાજ્યનો અર્થ સમજાવતાં તેમણે કહ્યું, રામરાજ્ય એટલે એવું શાસન, જ્યાં કોઈની સાથે ભેદભાવ ન થાય, જ્યાં દરેકને ન્યાય મળે, જ્યાં સૌને સમાન તકો મળે અને જ્યાં સત્તાનો હેતુ માત્ર શાસન કરવાનો નહીં, પરંતુ જનકલ્યાણ કરવાનો હોય.  વડાપ્રધાને પ્રભુ શ્રીરામના જીવનમાંથી પ્રેરણા લેવાનો સંદેશ આપતાં કહ્યું હતું કે, પ્રભુ શ્રીરામના જીવનમાંથી આપણને ખૂબ મોટી શીખ મળે છે. સંકટ ગમે તેટલું મોટું હોય, પડકાર ગમે તેટલો મુશ્કેલ હોય, આપણે બીજાઓના ભરોસે બેસી રહેવું ન જોઈએ. આપણે પોતાની ક્ષમતાને ઓળખવી જોઈએ, પોતાનાં સંસાધનો પર વિશ્વાસ રાખવો જોઈએ, પોતાના સંકલ્પને શક્તિ બનાવવો જોઈએ અને પોતાના પરિશ્રમથી સમસ્યાઓનું સમાધાન શોધવું જરૂરી છે. પોતાના ભાષણ દરમિયાન દેશના દુશ્મનોનો ઉલ્લેખ કરતાં વડાપ્રધાને કહ્યું, બધા રાજકીય પક્ષોએ રાષ્ટ્રહિત માટે એકસાથે ઊભા રહેવું જોઈએ. આપણે આ ભાવના સાથે આગળ વધવું  પડશે. દેશના દુશ્મનો સામે સાથે મળીને લડવું પડશે. દેશના માન-સન્માનને ઠેસ પહોંચાડનારી શક્તિઓ, સમાજને વિભાજિત કરનારા લોકો અને આપણી સંસ્કૃતિ પ્રત્યે નફરત ધરાવતી માનસિકતા દેશની દુશ્મન છે.  પોતાનું ભાષણ પૂર્ણ કરતાં વડાપ્રધાને કહ્યું,  વિજયાદશમીના શુભ અવસરે આપણે આપણો સંકલ્પ ફરીથી દોહરાવવાનો છે. આપણે મા ભારતીના શત્રુઓને ઓળખવા પડશે, તેમને પરાસ્ત કરવા પડશે અને રાષ્ટ્ર પ્રથમના સંકલ્પ સાથે સૌએ એકસાથે આવવું પડશે. તેમણે વિશ્વાસ વ્યક્ત કરતાં કહ્યું, મને વિશ્વાસ છે કે અયોધ્યાના રામમંદિરમાં પ્રાણપ્રતિષ્ઠા સમારોહ દરમિયાન આપણે રામથી રાષ્ટ્ર અને દેવથી દેશની જે સંકલ્પના કરી હતી, તેને આપણે ચોક્કસપણે સાકાર કરીશું. 

Ram Katha

Vyapar Utsav

Panchang

dd