• મંગળવાર, 15 સપ્ટેમ્બર, 2026

મણિપુરમાં ફરી હિંસાનો ભડકો

નવી દિલ્હી, તા.14 : મણિપુરમાં સ્થિતિ ફરી એકવાર કથળવા લાગી છે. છેલ્લા 24 કલાકમાં સંદિગ્ધ ઉગ્રવાદીઓ દ્વારા કરવામાં આવેલા અલગ-અલગ હુમલાઓમાં કુકી સમુદાયનાં ચાર લોકોનાં મૃત્યુ નીપજતાં ખળભળાટ મચી ગયો છે. મૃતકોમાં બે મહિલાઓ પણ સામેલ હતી. હિંસાગ્રસ્ત રાજ્યમાં ફરી એકવાર તનાવ વ્યાપી ગયો છે. તામેંગલોંગ અને નોની જિલ્લામાં ઉગ્રવાદીઓએ કરેલા હુમલામાં છ વર્ષનાં એક માસૂમ બાળકને પણ ગોળી લાગી ગઈ હતી. તામેંગલોંગ જિલ્લાનાં કૈમાઈ થાણા ક્ષેત્રનાં ટોલેન કુકી ગામમાં થયેલા હુલમામાં એક મહિલા સહિત બે લોકોનાં મૃત્યુ થયા હતાં જ્યારે નોનીનાં નુંગબામાં આવેલા લોંગપી ગામમાં અન્ય એક હુમલામાં પણ એક મહિલા સહિત બે લોકોની ગોળી મારીને હત્યા કરી નાખવામાં આવી હતી. પોલીસનાં જણાવ્યા અનુસાર સંદિગ્ધ ઉગ્રવાદીઓ દ્વારા મૃતકોનાં ઘર ઉપર હુમલા કરવામાં આવ્યા હતાં. આ ઘટનામાં નગા વિદ્રોહી સમૂહ એનએસસીએન અને ઝેડયુએફનો હાથ હોવાનું કહેવામાં આવે છે. મણિપુરનાં મુખ્યમંત્રી યુમનામ ખેમચંદ સિંહે આ ઘટનાની આકરી નિંદા કરી હતી. તેમણે નિર્દોષ લોકોનાં મૃત્યુ ઉપર દુ:ખ પ્રગટ કરતાં કહ્યું હતું કે, આવી કાયરતાપૂર્ણ હિંસા સ્વીકાર્ય નથી. સભ્ય સમાજમાં આને કોઈ સ્થાન નથી. મણિપુરમાં કુકી સમુદાય દ્વારા 1990નાં દાયકામાં કુકી-નગા ઘર્ષણની યાદમાં દર વર્ષે 13મી સપ્ટેમ્બરને સાહનીત ની એટલે કે બ્લેક ડે મનાવવામાં આવે છે ત્યારે આ ઘટના બની છે.

Ram Katha

Vyapar Utsav

Panchang

dd