• મંગળવાર, 15 સપ્ટેમ્બર, 2026

કચ્છ સહિત ગુજરાતભરમાં સાર્વત્રિક મેઘમહેર

અમદાવાદ, તા. 14 : ગણેશ ચતુર્થીની ભાવભેર ઉજવણી વચ્ચે ગુજરાત પર વિઘ્નહર્તાએ વરસાદી વહાલ વરસાવ્યું છે. શ્રાવણ આખો કોરોધાકોર વીતી ગયા પછી સોમવારે શ્રીકાર વરસાદ થતાં ખાસ કરીને ખેડૂત સમુદાયના ચહેરા પર ખુશીની ચમક જોવા મળી છે. સવા દોઢથી છ ઈંચ સુધી સચરાચર મેઘમહેર થતાં દુંદાળા દેવ દુકાળનું દર્દ દૂર કરી દીધું છે. રાજ્યના 259 તાલુકામાં આજે વરસાદ વરસ્યો હતો. સૌથી વધુ ભાવનગરનાં વલ્લભીપુર અને આણંદનાં બોરસદમાં છ-છ ઈંચ વરસાદ થયો હતો. રાજ્યના 51 તાલુકામાં બે ઈંચથી વધુ વરસાદ થયો હતો. ગુજરાતમાં આગામી 48 કલાક દરમ્યાન કચ્છ-સૌરાષ્ટ્ર સહિત વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી રાજ્યના મોસમ વિજ્ઞાન વિભાગ તરફથી કરાઈ હતી. કચ્છથી કાઠિયાવાડ સુધી વાદળોનું વહાલ વરસ્યું હતું. રાજકોટના કોટડા-સાંગાણી, ગીર, સોમનાથના ઉના અને વડોદરાનાં કાંકરેજમાં ચાર-ચાર ઈંચ વરસાદથી જનજીવનમાં આનંદનો સંચાર થયો હતો. 14 સપ્ટેમ્બરથી 20 સપ્ટેમ્બર સુધી રાજ્યમાં વરસાદી માહોલ રહેવાની શક્યતા છે. ખાસ કરીને આગામી 48 કલાક દરમિયાન કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ પડવાની ચેતવણી આપવામાં આવી છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ, રાજ્યમાં એકસાથે અનેક હવામાન પ્રણાલીઓ સક્રિય છે. લો પ્રેશર, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ, સાયક્લોનિક સર્ક્યુલેશન અને મોન્સૂન ટ્રફ જેવી સિસ્ટમના કારણે ગુજરાતમાં વરસાદનું જોર વધવાની શક્યતા છે. આગામી બે દિવસ દરમિયાન કેટલાક વિસ્તારોમાં વીજળીના કડાકા-ભડાકા સાથે ભારે વરસાદ પડી શકે છે. જો કે, ત્યારબાદ ધીમે ધીમે વરસાદની તીવ્રતા ઘટવાની અને હળવાથી મધ્યમ વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. આજે ગુજરાતભરમાં વલસાડ, ભરૂચ, નવસારી, ખેડા, દમણ, દાદરાનગર હવેલીમાં ભારે વરસાદ પડયો હતો, જ્યારે આણંદ, પંચમહાલ, મહેસાણામાં પણ ભારે વરસાદ પડયો હતો. ભારે વરસાદની આગાહીને પગલે માછીમારોને પણ આગામી બે દિવસ દરમિયાન દરિયો ન ખેડવા માટે અપીલ કરવામાં આવી છે. તંત્ર દ્વારા પણ ભારે વરસાદની શક્યતાવાળા વિસ્તારોમાં સાવચેતી રાખવા અને જરૂરી તકેદારી રાખવા જણાવાયું છે. દરમિયાનમાં આજે પૂર્વ અને પશ્ચિમ અમદાવાદના અનેક વિસ્તારોમાં 10 ઇંચ વરસાદનાં પગલે જળબંબાકાર થઈ ગયા હતી. સતત ધોધમાર વરસાદનાં કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયાં હતાં. પાણી ભરાતાં મીઠાખળી અંડરપાસ પણ થોડા સમય માટે બંધ કરાયો હતો. અમદાવાદ સહિત અનેક જિલ્લાઓમાં હજુ પણ ભારે વરસાદનું એલર્ટ છે. અમદાવાદમાં આજે સવારથી જ વળી પાછો ધોળે દિવસે અંધારપટ છવાયેલો હોવાનો માહોલ જોવા મળ્યો છે. સતત ધુમ્મસનાં કારણે વિઝિબિલિટી પણ અસર પામી છે. આ બધા વચ્ચે વાસણા બેરેજના દરવાજા 1.5 ફૂટ ખોલી નાખવામાં આવ્યા હતા. 4737 ક્યુસક પાણી નદીમાં છોડવામાં આવતાં નદી કિનારાનાં ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે.

રાજ્યમાં સૌથી વધુ ભાવનગરના વલ્લભીપુરમાં 5.91, આણંદના બોરસદમાં 5.51, વડોદરાના કરજણમાં 4.17, મહેસાણાના 4.17, અમદાવાદના ધોળકા 4.13, ભરૂચમાં 3.82, ખેડાના નડિયાદમાં 3.78 ઇંચ, રાજકોટના કોટડા સાંગાણીમાં 3.74 અને જામકંડોરણામાં 3.54 વરસાદ પડ્યો હતો તેમજ પંચમહાલના ગોધરામાં 3.39, ગીર સોમનાથના તલાલામાં 3.35, ખેડાના માતરમાં 3.23, બોટાદના ગઢમાં 3.19, રાજકોટના ગોંડલમાં 3.11, ભાવનગરના ઉમરાળામાં 3.11, બોટાદ શહેર અને આણંદના તારાપુરમાં  3.07 ઇંચ જેટલો વરસાદ પડ્યો હતો, જ્યારે બાકીના જિલ્લાઓમાં 3 ઇંચથી ઓછો વરસાદ પડ્યો હતો. સૌરાષ્ટ્રમાં બે માસના વરસાદી વિરામનો અંત લાવતાં ક્યાંક ધોધમાર તો ક્યાંક ઝરમર વરસાદ થયો છે.

ડોળાસા-ગોંડલ-જાળિયા 4, જામકંડોરણા-ગઢડા (સ્વામીના)-તાલાલા-ઉમરાળા 3.5, ગીરનાર-ભેસાણ- કોટડા સાંગાણી-બોટાદ 3, માળિયા હાટીના-વિસાવદર-મોડાસા-કુતિયાણા-રાજકોટ 2.5, રાણપુર-કોડીનાર-રાજુલા-બરવાળા 2, તળાજા 1.75, ભાણવડ-માણાવદર- મેંદરડા-માધવપુર 1.5, કલ્યાણપુર- કેશોદ-માંગરોળ-જાફરાબાદ-પોરબંદર 1, વડિયા 0.75 ઇંચ વરસાદ

જૂનાગઢને પીવાનું પાણી પૂરું પાડતો આણંદપુર ડેમ છલકાયો : કાળવા, સોનરખ નદીમાં પૂર : દામોદર કુંડમાં નવા નીર આવ્યા છે. બોટાદની ઉતાવળી-મધુ નદીમાં પૂર, રસ્તાઓ પર પાણી ફરી વળતા લોકો પરેશાન થયા હતા. અરબી સમુદ્રમાં ભારે પવન ફૂંકાવાની આગાહીના પગલે માછીમારીની મનાઈ ફરમાવી. કાંસાબડ ગામે વીજળી પડતા પશુપાલક અને ભેંસનું મૃત્યુ  થયું હતું.

રાજકોટમાં લાંબા સમય બાદ મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરતાં બપોરે માત્ર એક કલાકમાં બેથી અઢી ઇંચ જેટલો વરસાદ ખાબકી ગયાં હતાં. ધોધમાર વરસાદને પગલે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જતાં જનજીવન પ્રભાવિત થયું હતું, જ્યારે ગણેશ મહોત્સવના વિવિધ આયોજનોમાં પણ પાણી ભરાઈ જતાં આયોજકોની મુશ્કેલી વધી હતી.

સોરઠમાં લાંબા વિરામ બાદ ગઈકાલથી મેઘરાજાએ પધરામણી કરી આજે બીજા દિવસે મહેર ચાલુ રાખતા ગિરનાર પવૅત, માળીયા, ભેસાણમા ત્રણ-ત્રણ ઇંચ, વિસાવદરમા બે, માણાવદર- મેંદરડામાં દોઢ ઇંચ તેમજ કેશોદ માંગરોળ માં એક એક ઇંચ વરસાદ નોંધાયો છે. નદી નાળાઓમાં પુર આવતા ધરતીપુત્રો સહિતના લોકોના ચહેરા ઉપર નવી ચમક આવી છે.  ગિરનાર પર્વત સહિત સોરઠમાં છેલ્લા બે દિવસથી સારા વરસાદને કારણે જૂનાગઢ શહેરને પીવાનું પાણી પૂરું પાડતો આણંદપુર ડેમ છલકાયો છે. હસનપુર ડેમમાં નવા નીરની આવક થઈ છે.

તાલાલા ગીર શહેર તથા ગ્રામ્ય વિસ્તારમાં મેઘરાજાનું ભવ્ય આગમન થતાં પ્રજા તથા ખેડૂતો આનંદવિભોર થઈ ગયા છે. શહેર તથા પશ્ચિમ દિશામાં આવેલા તાલાલા વિસ્તારના 20 જેટલા ગામડામાં ત્રણથી ચાર ઈંચ જેટલો મુશળધાર વરસાદ પડ્યો હતો.

હજુ બે દિવસ વરસાદની આગાહી

ગુજરાતમાં આગામી દિવસોમાં વરસાદનું જોર યથાવત રહેવાની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. 14થી 20 સપ્ટેમ્બર સુધી રાજ્યમાં વરસાદી માહોલ રહેવાની શક્યતા છે. ખાસ કરીને આગામી 48 કલાક દરમિયાન કેટલાક વિસ્તારમાં ભારેથી અતિભારે વરસાદ પડવાની ચેતવણી આપવામાં આવી છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ, રાજ્યમાં એકસાથે અનેક હવામાન પ્રણાલીઓ સક્રિય છે. લો પ્રેશર, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ, સાયક્લોનિક સર્ક્યુલેશન અને મોન્સૂન ટ્રફ જેવી સિસ્ટમના કારણે ગુજરાતમાં વરસાદનું જોર વધવાની શક્યતા છે. આગામી બે દિવસ દરમિયાન કેટલાક વિસ્તારોમાં વીજળીના કડાકા-ભડાકા સાથે ભારે વરસાદ પડી શકે છે. જોકે, ત્યારબાદ ધીમે ધીમે વરસાદની તીવ્રતા ઘટવાની અને હળવાથી મધ્યમ વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.

Ram Katha

Vyapar Utsav

Panchang

dd