• રવિવાર, 28 જૂન, 2026

મુંબઈમાં મોહરમનાં જુલૂસમાં ઝેરી કેપ્સ્યુલનું વિતરણ !

મુંબઈ, તા.27 : મોહરમનાં જુલૂસમાં હજારોની સંખ્યામાં ઝેરીલી કેપ્સ્યુલનું વિતરણ કરીને ભયાનક હત્યાકાંડ સર્જવાનાં એક વિચિત્ર કાવતરાને મુંબઈ પોલીસે નિષ્ફળ બનાવ્યું છે. આમાં ફૈયાઝ પ્રેમજી નામના એક શંકાસ્પદ વ્યક્તિની ધરપકડ થઈ છે. પોલીસના જણાવ્યા મુજબ આરોપી કોઈપણ પરવાનગી વગર `પીડાથી રાહત'નાં નામે લોકોને કેપ્સ્યુલો વહેંચી રહ્યો હતો. મુંબઈ પોલીસના જણાવ્યા અનુસાર જેજે અને ભાયખલા વિસ્તારમાંથી મોહરમનું જુલૂસ પસાર થતું હતું ત્યારે આરોપી ત્યાં લોકોને આ ઝેરી કેપ્સ્યુલો વહેંચી રહ્યો હતો. પેટ્રાલિંગ કરતી પોલીસ ટીમે ફૈયાઝને કેપ્સ્યુલો વહેંચતા જોયો. શંકા જતાં પોલીસે તેની પૂછપરછ કરી અને તેની પાસે રહેલી કેપ્સ્યુલો જપ્ત કરી લીધી હતી. પોલીસનો દાવો છે કે તપાસ દરમિયાન આરોપીએ કબૂલાત કરી હતી કે તેણે મોહરમના જુલૂસને નિશાન બનાવવાનાં ઈરાદેથી જ આ કેપ્સ્યુલો વહેંચી હતી. પૂછપરછ દરમિયાન આરોપીએ કબૂલ્યું હતું કે તેણે કુલ 30,000 ખાલી કેપ્સ્યુલો અને 50 કિલોગ્રામ ઝિંક ફોસ્ફાઇડ (ઉંદર મારવા માટે વપરાતું અત્યંત ઝેરી રસાયણ) મગાવ્યું હતું. આરોપીની ઓળખ પૂણેના રહેવાસી ફૈયાઝ પ્રેમજી તરીકે થઈ છે. તે પેઇન્ટનો વ્યવસાય કરે છે અને બીબીએ સ્નાતક છે. પૂછપરછ દરમિયાન એ પણ સામે આવ્યું કે તેણે ઘણા દિવસો સુધી પોતાના ઠેકાણે કેપ્સ્યુલોમાં ઝેર ભરવાનું કામ કર્યું હતું. પોલીસનું કહેવું છે કે સલમાન સૈયદ નામના એક વ્યક્તિએ આ કેપ્સ્યુલનું સેવન કરતાં તેની તબિયત બગડી ગઈ હતી. પેટમાં દુખાવો અને ઉલ્ટીની ફરિયાદ બાદ તેને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં  આવ્યો હતો. ભાયખલા પોલીસે આરોપી પાસેથી 14,900 ઝેરી કેપ્સ્યુલો જપ્ત કરી છે. દરેક કેપ્સ્યુલમાં લગભગ એક ગ્રામ ઝિંક ફોસ્ફાઇડ ભેળવવામાં આવ્યું હતું. તપાસ દરમિયાન એ પણ સામે આવ્યું છે કે વર્ષ 2019થી 2025 દરમિયાન ફૈયાઝ અનેક વખત ઈરાન અને ઈરાકની યાત્રા કરી ચૂક્યો છે. પોલીસના જણાવ્યા મુજબ માત્ર છેલ્લાં એક વર્ષમાં જ તે 19 વખત ઈરાન અને ઈરાક ગયો હતો. પોલીસ તમામ પાસાઓથી મામલાની તપાસ કરી રહી છે. આ કેસમાં તેના વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતાની કલમ 109, 110 અને 123 હેઠળ ઝેર આપવાનો અને હત્યાના પ્રયાસનો ગુનો નોંધવામાં આવ્યો છે. પોલીસે જણાવ્યું કે ફૈયાઝ પ્રેમજી શિયા ખોજા મુસ્લિમ સમુદાય સાથે સંબંધ ધરાવે છે.  જોકે, હાલ સુધી તેનો કોઈ આતંકવાદી સંગઠન સાથે સંબંધ હોવાની સત્તાવાર પુષ્ટિ થઈ નથી અને તપાસ ચાલુ છે. પોલીસ હાલ તેના મોબાઇલ ફોન, ડિજીટલ રેકોર્ડ, નાણાકીય વ્યવહારો અને સંપર્કોની ઊંડાણપૂર્વક તપાસ કરી રહી છે. સાથે જ એ પણ તપાસવામાં આવી રહ્યું છે કે આ કાવતરામાં કોઈ અન્ય વ્યક્તિ અથવા સંગઠન સામેલ હતું કે નહીં. 

Panchang

dd