અમદાવાદ, તા. 8 (અમારા પ્રતિનિધિ તરફથી)
: પાટણ જિલ્લા સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશન દ્વારા ઓપરેશન મ્યુલ હંટ 2.0' અંતર્ગત દેશવ્યાપી નેટવર્ક ધરાવતા રૂ. 398.43 કરોડના આર્થિક કૌભાંડનો પર્દાફાશ કરવામાં આવ્યો છે.
બનાસકાંઠા રેન્જ આઈજી પરિક્ષીતા રાઠોડ અને પાટણ એસપી વી.કે. નાયીના માર્ગદર્શન હેઠળ
પોલીસે કેન્દ્ર સરકારના સાયબર પોર્ટલ (એનસીસીઆરપી)ના ડેટા એનાલિસિસની મદદથી હારીજ નાગરિક
સહકારી બેંકના શંકાસ્પદ ખાતાઓ પર નજર રાખી હતી. તપાસમાં બહાર આવ્યું કે વચેટીયાઓ સામાન્ય
લોકોને માસિક કમિશન અને રોકડની લાલચ આપી તેમના નામે કરંટ ખાતાઓ (મ્યુલ એકાઉન્ટ્સ) ખોલાવતા
હતા. આ ભાડે રાખેલા ખાતાઓ, એટીએમ
કાર્ડ અને ઇન્ટરનેટ બાંકિંગ કીટનો ઉપયોગ ડિજિટલ અરેસ્ટ, સેક્સટોર્શન,
ઓનલાઇન સટ્ટો અને ઓટીપી ફ્રોડ જેવા ગંભીર ગુનાના નાણાં ટ્રાન્સફર કરવા
માટે થતો હતો. કુલ 13 એકાઉન્ટ્સમાંથી કરોડોના
ગેરકાયદે વ્યવહારો થયા છે, જેમાં
દેશભરમાંથી 228 સાયબર ફરિયાદો નોંધાયેલી
છે.પોલીસે આ મામલે 13 ખાતાધારકો અને 7 વચેટીયાઓ સહિત કુલ 20 આરોપીઓ વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતા હેઠળ ગુનો દાખલ કર્યો છે. રોહન ઠાકોર
અને વિષ્ણુ પ્રજાપતિ સહિતના 14 આરોપીઓની પોલીસે ધરપકડ
કરી લીધી છે, જ્યારે અમદાવાદના
જયદીપ ઉર્ફે જે.ડી. ઠક્કર સહિત 6 આરોપીઓને
પકડવાના બાકી છે. પીઆઈ આર.જી. ઉનાગર અને તેમની ટીમે આ કામગીરી કરી હતી. પોલીસ તપાસ
અનુસાર, આ સમગ્ર કૌભાંડનો દોરીસંચાર
'હારીજ નાગરિક સહકારી બેંક લિ. હારીજ' ખાતે ખોલાવવામાં
આવેલા બેંક ખાતાઓ દ્વારા થતો હતો. આ સાયબર ઠગોની મોડસ ઓપરેન્ડી ખૂબ જ ચોંકાવનારી હતી.
તેઓ સામાન્ય અને ગરીબ લોકોને આર્થિક લાભ, રોકડ રકમ અથવા માસિક
ફિક્સ કમિશનની લાલચ આપી તેમના નામે બેંક ખાતા ખોલાવતા હતા. બેંકના એકાઉન્ટ્સમાં ટૂંકા
સમયમાં કરોડો રૂપિયાના શંકાસ્પદ વ્યવહારો થતાં સાયબર ક્રાઇમ પોલીસ એલર્ટ થઈ હતી અને
ઊંડાણપૂર્વકની તપાસ હાથ ધરી હતી.