• મંગળવાર, 09 જૂન, 2026

આરટીઓનાં ધક્કાની ઝંઝટમાંથી મુક્તિ ?

નવી દિલ્હી, તા.8: દેશનાં કરોડો વાહન ચાલકો માટે મોટી રાહતનાં સમાચાર છે. કેન્દ્ર સરકાર ડ્રાઈવિંગ લાઈસન્સ(ડીએલ) અને વાહન સંબંધિત નિયમોમાં એક મોટો અને ઐતિહાસિક બદલાવ કરવાની તૈયારીમાં છે. સરકારનો હેતુ લોકોને આરટીઓનાં ધક્કાની ઝંઝટમાંથી સદંતર છૂટકારો આપવાનો છે. જેનાં માટે બે મહત્વની દરખાસ્તો ઉપર ચર્ચા ચાલી રહી છે. જેમાં ડ્રાઈવિંગ લાઈસન્સની વેલિડિટી એટલે કે માન્યતા અવધિ વધારવા અને બીજી વાહન સાથે જોડાયેલી જરૂરી સેવાઓને સંપૂર્ણપણે ઓનલાઈન પ્લેટફોર્મ ઉપર તબદિલ કરવાની છે.  પ્રાપ્ત થતાં અહેવાલો અનુસાર આ નવા પ્રસ્તાવ હેઠળ હવે ડ્રાઈવિંગ લાઈસન્સ 50 વર્ષ સુધી વેલિડ રહી શકે છે. વર્તમાન નિયમોની વાત કરવામાં આવે તો લાઈસન્સ સામાન્ય રીતે 20 વર્ષ માટે વેલિડ રહેતું હોય છે. ત્યારબાદ તેને રીન્યૂ કરાવવું પડે છે. માર્ગ પરિવહન મંત્રાલયનું માનવું છે કે, આ નવા પગલાથી જનતાને વારંવાર કાગળનાં કામકાજ અને રીન્યુઅલની લાંબી પ્રક્રિયામાંથી મોટી રાહત મળી જશે. જે જીવનને આસાન  બનાવવાનાં સરકારનાં અભિયાનનો એક ભાગ હશે. લાઈસન્સની સાથોસાથ વાહનોનાં ખરીદ-વેચાણ સંબંધિત પ્રક્રિયામાં પણ મોટા ફેરફાર કરવામાં આવશે. સરકાર એવી સિસ્ટમ ઉપર કામ કરી રહી છે જે વાહનની માલિકી તબદિલી(ટ્રાન્સફર) અને પરમિટ રીન્યુઅલ જેવા જરૂરી કામને પણ ડિજીટલ કરશે. જો આ પ્રસ્તાવ અમલી બનશે તો નામ ટ્રાન્સફર કરાવવા માટે આરટીઓનાં ધક્કામાંથી છૂટકારો મળશે. ઘરે બેઠાં મોબાઈલ કે કોમ્પ્યુટરમાંથી જ આ કામ જાતે કરી શકાશે. આવા નિયમો આસાન બનાવવા સાથે ટ્રાફિક નિયમ ભંગ ઉપર પણ સકંજો કસવાની તૈયારી ચાલી રહી છે. નવી સિસ્ટમમાં મેમો અને નિયમભંગમાં ડ્રાઈવરને નેગેટિવ માર્કિંગ આપવામાં આવશે. જો કોઈ ડ્રાઈવર નિર્ધારિત નેગેટિવ પોઈન્ટ કરતાં વધુ વખત નિયમ ભંગ કરશે તો તેનું લાઈસન્સ સસ્પેન્ડ અથવા તો રદ કરવામાં આવશે.

Panchang

dd