ભુજ, તા. 8 : માનકૂવામાં 28 વર્ષીય યુવાન વિનોદકુમાર દામજી મેરિયાએ અને ભુજમાં
23 વર્ષીય યુવક કિરણ હરેશભાઇ જોગીએ, જ્યારે ગાંધીધામના મીઠીરોહરની સીમમાં
આવેલી કંપની વસાહતમાં પરમેશ્વર રવિ માંજી (ઉ.વ. 18) નામના યુવાને પણ ગળેફાંસો ખાઈ પોતાનું જીવન ટૂંકાવી
લીધું હતું. આ બધા જ આપઘાતના બનાવો પાછળ કારણ અકળ હોવાનું લખાવાયું છે. માનકૂવાના નવાવાસમાં
રહેતા વિનોદકુમારે ગઇકાલે સવારે 11 વાગ્યાના અરસામાં
પોતાના ઘરે કોઇ કારણે ગળેફાંસો ખાઇ લેતાં તેને સારવાર અર્થે ભુજની જી.કે. જનરલ હોસ્પિટલમાં
લઇ આવતાં ફરજ પરના તબીબે મૃત જાહેર કર્યા હતા. માનકૂવા પોલીસે અકસ્માત મોતનો ગુનો દાખલ
કરી તજવીજ હાથ ધરી છે.
બીજીતરફ ભુજના આત્મારામ સર્કલ પાસે રહેતા કિરણ જોગીએ
આજે સવારે પોતાના ઘરે કોઇ અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઇ લીધો હતો. આથી તેના પિતા હરેશ
પરબતભાઇ જોગી તેને સારવાર અર્થે ભુજની જી.કે. જનરલ હોસ્પિટલ લઇ આવતાં ફરજ પરના તબીબે
મૃત જાહેર કર્યાની વિગતો હોસ્પિટલની પોલીસ ચોકીમાં નોંધાવી છે. મીઠીરોહરના સર્વે નંબર
26/1માં આવેલી સીતારામ એન્ડ કંપનીની શ્રમિક વસાહતમાં તા.
7/6ના રાત્રિના અરસામાં આ બનાવ બન્યો હતો. પરમેશ્વર નામનો
યુવાન પોતાના રૂમ ઉપર હતો, દરમ્યાન
તેણે અગમ્ય કારણોસર એન્ગલમાં રૂમાલ બાંધી ગળે ફાંસો ખાઈ અકાળે પોતાનો જીવ દીધો હતો.
પોલીસે બનાવ અંગે નેંધ કરી આગળની વધુ તપાસ હાથ ધરી છે.