ભુજ, તા. 8 : નગરપાલિકા તંત્રની
વહીવટની અણઆવડતનાં કારણે આકરા તાપમાં ભુજવાસીઓને પાણી વિના ટળવળવાનો વારો આવી રહ્યો
છે. જિલ્લા કોંગ્રેસ પ્રમુખ વી. કે. હુંબલે આક્ષેપોની ઝડી વરસાવતાં કહ્યું કે, ભુજના મતદારોએ ભાજપને નગરપાલિકાનું
સત્તાનું સુકાન સોંપ્યું છે ત્યારે વિકાસના મસમોટા દાવા વચ્ચે ભુજવાસીઓને આઠ દિવસે
માંડ એકવાર પાણી વિતરણ થઇ રહ્યું છે. નર્મદામાંથી 40 એમએલડી પાણી મળતું હોવા છતાં ભૂતિયા કનેક્શન, ખાનગી ધોરણે પાણીનું વેચાણ,
પોતાના લાગતાવળગતાઓને સાચવવાની નીતિના કારણે અન્ય શહેરીજનો તરસ્યા રહે
છે. ગટરમિશ્રિત પાણી સમસ્યાનો પણ કોઇ ઉકેલ આવતો નથી. મુખ્ય અધિકારીની ગેરહાજરી સામે
કોંગ્રેસ પ્રમુખે ગંભીર સવાલ ઉઠાવી જો પ્રશ્નો નહીં ઉકેલાય તો ઉગ્ર આંદોલનની ચીમકી
ઉચ્ચારી છે. નગરપાલિકામાં રજૂઆત સમયે ગનીભાઇ કુંભાર, કિશોરદાન
ગઢવી, ફકીરમામદ કુંભાર, હારૂન ત્રાયા,
અંજલિ ગોર, કાસમ કેવર, ચેતન
શાહ, આઇસુબેન સમા, આદિલ જત, નરેન્દ્ર ભીલ, ચંદ્રાબેન સોની, ફાતિમાબેન સમા, રાણબાઇ મહેશ્વરી સહિત જોડાયા હતા.