નવી દિલ્હી, તા. 8 : યુદ્ધ વિરામ વચ્ચે
ઈઝરાયલે કરેલા હુમલા બાદ ઈરાન પણ વીર્ફ્યુ હતું અને સામસામે ઘાતક હુમલાનો વધુ એક દોર
શરૂ થઈ ગયો હતો. જેને પગલે પશ્ચિમ એશિયામાં યુદ્ધ ફરી એકવાર વિકરાળ રૂપ ધારણ કરશે તેવો
ભય દુનિયામાં ફેલાઈ ગયો હતો. જો કે,
અમેરિકાનાં રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે તાબડતોબ સ્થિતિ વધુ વણસે તે પહેલા
જ બન્ને દેશોને સૈન્ય કાર્યવાહી રોકવાની ચેતવણી આપી દીધી હતી. ત્યારબાદ ઈરાન તરફથી
ઈઝરાયલ ઉપર હુમલા રોકવાની ઘોષણા કરી દેવામાં આવી હતી. યુદ્ધવિરામ વચ્ચે ઈઝરાયલે લેબનોનની
રાજધાનીમાં કરેલા ભીષણ હુમલાનાં પગલે તંગદિલી ફરી એકવાર યુદ્ધમાં પલટાય તેવી જવાબી
કાર્યવાહી ઈરાન તરફથી કરવામાં આવી હતી. ઈરાનમાં પણ ઈઝરાયલે તેહરાન, તબરીઝ અને ઈસ્ફાહનને નિશાન બનાવીને હુમલા કરેલા. જેની સામે ઈરાને પણ એટલા જ
ઘાતક જવાબી પ્રહારો કર્યા હતાં. ઈઝરાયલે બૈરુતમાં હુમલા કરીને યુદ્ધવિરામનું ઉલ્લંઘન
કર્યુ હોવાનો આરોપ લગાવીને ઈરાને ઉત્તર ઈઝરાયલમાં મિસાઈલો મારાની નવી લહેર શરૂ કરી
દીધી હતી. બન્ને તરફથી શરૂ થયેલા નવેસરનાં હુમલાને પગલે ગમે ત્યારે યુદ્ધ વકરે તેવી
ભીતિ પેદા થઈ ગઈ હતી. જો કે આ વખતે સ્થિતિ વધુ વણસે તેવી કોઈ નિવેદનબાજી કરવાનાં બદલે
અમેરિકાનાં રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે બાજી સંભાળી લીધી હતી અને તેમણે ઈરાન-ઈઝરાયલ
બન્ને પક્ષને તાત્કાલિક હુમલા રોકવા ટકોર કરી હતી અને તેની અસર પણ થઈ હતી. ટ્રમ્પે
કહ્યું હતું કે, કોઈપણ પ્રકારની બેદરકારીથી વાટાઘાટો ખોરવાઈ શકે
છે. ટ્રમ્પની ચેતવણી બાદ ઈરાને અમુક કલાકોમાં જ ઈઝરાયલ ઉપર હુમલા રોકવાની જાહેરાત કરી
દીધી હતી. જો કે ઈરાને સાથોસાથ ચેતવણી પણ આપી હતી કે ઈઝરાયલ તરફથી હુમલો થશે તો પહેલા
કરતાં વધુ ગંભીર અને શક્તિશાળી જવાબ આપવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, રવિવારે લેબનોનનાં બૈરુતમાં ઈઝરાયલે હવાઈ હુમલા કર્યા હતાં અને જવાબી કાર્યવાહીમાં
ઈરાને પણ સૈન્ય અભિયાન છેડી દીધું હતું. જેમાં આજે સવાર સુધી ઈરાન અને ઈઝરાયલ વચ્ચે
હવાઈ હુમલાનો સિલસિલો જારી રહ્યો હતો.