મનીલા, તા. 8 : ફિલિપાઈન્સમાં સોમવારથી
સવારે 7.8ની તીવ્રતાનો શક્તિશાળી ભૂકંપ આવતાં ધ્રૂજેલી ધરાએ
પારાવાર તબાહી મચાવી હતી. આ આફતમાં 32 લોકોનાં
મોત થઈ ગયાં હતાં, તો
અન્ય 200થી વધુ લોકો ઘાયલ થયા હતા. અનેક ઈમારતો જમીનદોસ્ત થઈ
ગઈ હતી. બે કલાકમાં ભૂકંપના 138 આંચકા આવ્યા હતા.
ભૂકંપ બાદ સુનામી પણ આવી હતી. લગભગ સાડા ચાર ફૂટ જેટલાં ઊંચાં મોજાં દરિયામાં ઉછળ્યાં
હતાં. અમેરિકી ભૂસ્તરીય સર્વેક્ષણના જણાવ્યાનુસાર, ભારતીય સમય મુજબ સવારે 5 અને 7 મિનિટે
ગોઝારો ભૂકંપ આવ્યો હતો. ભૂકંપનું કેન્દ્રબિંદુ મિંડાનાઓ ટાપુ પાસે હતું અને સારંગાની
પ્રાંતના માસિમ ગામથી 32 કિ.મી. દૂર, 33 કિ.મી.
ઊંડાઈએથી ભૂકંપ આવ્યો હતો. સાત લાખથી વધુ વસ્તીવાળા બંદરીય શહેર જનરલ સેંટોસમાં સૌથી
વધુ નુકસાન થયું હતું. અનેક ઈમારતોમાં તિરાડો પડી ગઈ હતી, તો ઘણી ઈમારતો ધરાશાયી થઈ ગઈ હતી.
સોમવારે ગરમીની રજાઓ બાદ દેશભરમાં સરકારી શાળાઓ ખૂલતાં 100થી વધુ છાત્રોને ઈજાઓ થઈ હતી.