કોલકાતા, તા. 30 : વિધાનસભા ચૂંટણી બાદ પશ્ચિમ
બંગાળમાં ફરી એકવાર રાજકારણ ગરમાયું છે. ટીએમસીના નેતાઓ શશી પંજા અને કુણાલ ઘોષ નેતાજી
ઇન્ડોર સ્ટેડિયમમાં સ્ટ્રોંગ રૂમની બહાર ધરણાં પર વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. તેમનો
આરોપ છે કે, ભાજપ અને ઇસીઆઈના અધિકારીઓ
તેમના સંબંધિત પક્ષના પ્રતિનિધિઓની હાજરી વિના મતપેટીઓ ખોલવાનો પ્રયાસ કરી રહ્યા છે
અને ઈવીએમ સાથે ચેડાં થઈ રહ્યાં છે. ચૂંટણીપંચે રાતે પત્રકાર પરિષદ યોજીને આરોપો ભારપૂર્વક
નકારી કાઢયા હતા અને કહ્યું હતું કે, તમામ સાત ઈવીએમ સ્ટ્રોંગ
રૂમ સંપૂર્ણ સીલ અને સુરક્ષિત છે. તૃણમૂલે જારી કરેલા સીસીટીવીના વીડિયો ફૂટેજની ગતિવિધિ
ઈવીએમની નહીં, પણ પોસ્ટલ બેલેટની પ્રક્રિયા હતી, તમામ પક્ષોને જાણ કરાઈ હતી. મુખ્યમંત્રી અને તૃણમૂલ કોંગ્રેસના સુપ્રીમો પણ
સખાવત મેમોરિયલ સ્કૂલ પાસે સ્ટ્રોંગ રૂમ બહાર પહોંચ્યા હતા. તૃણમૂલે દુર્ગાપુર સરકારી
કોલેજ પાસે ધરણાં શરૂ કર્યાં હતાં જે થોડીવાર બાદ સમાપ્ત કર્યાં હતાં. બીજી તરફ ભાજપના વરિષ્ઠ નેતા શુભેન્દુ અધિકારી પણ
ઘટનાસ્થળે પહોંચ્યા હતા. કુણાલ ઘોષે કહ્યું હતું કે, `તમે ચૂંટણીપંચના લાઇવ સ્ટ્રામિંગ અને સીસીટીવી
કેમેરામાં જોઈ શકો છો કે કેટલાક લોકો અંદર કામ કરી રહ્યા છે. અમારા કોઈ પ્રતિનિધિ અંદર
નથી. તેઓ અમને અંદર જવા દેતા નથી. તેઓ અમને અન્ય ઉમેદવારો સાથે વાત કરવાનું કહી રહ્યા
છે. અમે અન્ય ઉમેદવારોની જવાબદારી શા માટે લઈએ?' તૃણમૂલના વરિષ્ઠ નેતા શશી પંજાએ જણાવ્યું હતું કે, `અમે ચિંતિત છીએ. કોઈ છેડછાડ ન થવી જોઈએ. અમને આ બધું કેમ બતાવવામાં
આવી રહ્યું નથી?'
ટીએમસી નેતાએ દાવો કર્યો હતો કે, તેમને
શંકા છે કે કેન્દ્રીય દળોએ ઇવીએમ સ્ટ્રોંગ રૂમની સુરક્ષા માટે તૈનાત પાર્ટી કાર્યકરોને
ઇરાદાપૂર્વક દૂર કર્યા હતા, જેથી અંદરના ઇવીએમ સાથે છેડછાડ કરી
શકાય. તેમણે એવો પણ દાવો કર્યો હતો કે ભારતીય ચૂંટણીપંચ (ઈસીઆઈ)એ વધુ પારદર્શક બનવું
જોઈએ અને સ્ટ્રોંગ રૂમની અંદર શું થઈ રહ્યું છે તે દરેકને જાણ કરવી જોઈએ. દરમ્યાન,
પશ્ચિમ બંગાળમાં યોજાયેલી વિધાનસભા ચૂંટણીના બીજા તબક્કાના મતદાન બાદ
મળેલી ફરિયાદોમાં 77 બૂથ પર ફરીથી મતદાનની માંગ
કરાતાં રાજકીય ઘમસાણ સર્જાયું છે. જો કે, ચૂંટણીપંચ આ મામલે ગંભીરતાથી તપાસ આદરી રહી છે. એક મીડિયા હેવાલ મુજબ,
દક્ષિણ 24 પરગણાની ચાર
બેઠક પરથી મળેલી ફરિયાદોમાં ઈવીએમ સાથે ચેડાં, કેમેરામાં ખોટીપો અને મતદાન પ્રક્રિયામાં
ગરબડના આરોપો લગાવાયા છે. મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશકુમારે કહ્યું હતું કે,
તપાસ પૂરી થયા વિના કોઈ પણ નિર્ણય નહીં લેવાય. પૂરી તપાસ બાદ જ જો જરૂર
પડશે તો બીજી વખત મતદાન કરાવાશે તેમ તેમણે જણાવ્યું હતું.