• શુક્રવાર, 20 માર્ચ, 2026

ભડકે બળે છે ખાડી દેશોની તેલ રિફાઇનરીઓ

નવી દિલ્હી, તા. 19 : માણસાઇના દુશ્મન મહાયુદ્ધે એ હદે ખતરનાક રૂપ લઇ નાખ્યું છે કે દુનિયાભરના દેશોના શ્વાસ અદ્ધર થઇ ગયા છે. ઇઝરાયલે ગઇકાલે બુધવારે ઇરાનના સૌથી મોટા તેલ-ગેસનાં ક્ષેત્ર સાઉથ પાર્સ પર હુમલો કર્યો હતો. ઉશ્કેરાયેલા ઈરાને બદલો લેતાં ગુરુવારે સાઉદી અરેબિયા, કુવૈત, કતર તેમજ યુએઇ સહિત ખાડી દેશોની તેલ રિફાઇનરીઓ પર ઘાતક હુમલા કર્યા હતા. ભડકે બળતી તેલ રિફાઇનરીઓથી અખાતી દેશોમાં ઉચાટ વચ્ચે તેલનું વૈશ્વિક સંકટ સર્જાવા અને વિશ્વભરની અર્થવવ્યવસ્થાને અસર થવાની ભીતિ સર્જાઇ છે. `મહાયુદ્ધ' તેલયુદ્ધમાં ફેરવાતાં હુમલાથી ભડકે બળતી તેલ રિફાઇનરીઓની આગની ચપેટમાં આવ્યું હોય તેમ ભારતમાં ક્રૂડ તેલની કિંમત 146 ડોલર પર પહોંચી ગઇ છે. ધડાધડ હવાઇ હુમલાઓથી રોષે ભરાયેલા સાઉદી અરેબિયાએ ઈરાનને કડક ચેતવણી આપી હતી. સાઉદીના વિદેશમંત્રી ફૈસલ બિન ફરહાન અલ સઉદે કહ્યું હતું કે, અમારી પાસે જવાબ આપવાની પૂરી તાકાત છે. ઇરાન અમારી ધીરજની પરીક્ષા ન લે. દરમ્યાન ભારતે પણ ઇરાની આક્રમણની ટીકા કરી હતી. ભારતીય વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે જણાવ્યું કે, ભારત હંમેશાં ઊર્જાના મથકો પર હુમલાની ટીકા  કરતું રહ્યું છે.ઇઝરાયલે બુધવારે ઇરાનના સાઉથ પાર્સ ગેસફિલ્ડ પર હુમલો કર્યો હતો. આ દુનિયાનું સૌથી મોટું પ્રાકૃતિક ગેસ ક્ષેત્ર છે. આ યુદ્ધ શરૂ થયા પછી ઇરાની ઊર્જા ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર સૌથી મોટો હુમલો હતો. વિફરેલા ઇરાને આજે સાઉદીમાં રાતા સમુદ્રના બંદરીય શહેર યાનબુમાં તેલની દિગ્ગજ કંપની સાઉદી અરામકોની `સામરેફ' રિફાઇનરી પર હુમલો કર્યો હતો. એ સિવાય કુવૈતમાં મધ્ય-પૂર્વની સૌથી મોટી રિફાઇનરીઓમાંની એક મીના અલ-અહમદી રિફાઇનરી પર હવાઇ હુમલો કર્યો હતો, જેની ક્ષમતા લગભગ 7,30,000 બેરલ પ્રતિ દિવસ છે. કુવૈતની જ મીના અબ્દુલ્લાહ રિફાઇનરી પર ઇરાની આક્રમણથી તેના પ્લાન્ટમાં ભીષણ આગ લાગી હતી. ઇરાને કતરમાં પણ કતાર એનર્જીના વિશાળ રાસ લફફન લિક્વિફાઈડ પ્રાકૃતિક ગેસ પ્લાન્ટ પર મિસાઇલ છોડતાં પ્લાન્ટમાં આગ લાગી હતી. બેહદ આક્રમક બનેલા ઇરાનના હુમલાથી અખાતી દેશો અકળાયા છે. સાઉદીના વિદેશમંત્રીએ કહ્યું હતું કે, પહેલાં જે થોડોઘણો ભરોસો ઇરાન પર હતો તે હવે સાવ તૂટી ગયો છે. કતરના રાસ લફફન પ્લાન્ટ વિશ્વની સૌથી મોટી પ્રાકૃતિક ગેસ નિકાસની સુવિધા છે. તેના પર ઇરાની હુમલાથી ગંભીર નુકસાન થયું છે અને ઊર્જા ક્ષેત્રની દિગ્ગજ `શેલ' કંપનીએ કહ્યું હતું કે, નુકસાનનો અંદાજ મેળવી રહ્યા છીએ. કતર વિશ્વની બજારો માટે પ્રાકૃતિક ગેસનો ચાવીરૂપ સ્રોત છે. સાઉદીની સાથોસાથ કતાર, યુએઇ, કુવૈત સહિત ખાડી દેશોએ ઈરાનના હુમલાઓની ટીકા કરી હતી. આરબ લીગના વડા અબ્દુલ ઘેઇટે આ હુમલાઓને તાણ વધારતા ખતરનાક કૃત્ય લેખાવ્યા હતા. દરમ્યાન અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે હાથ ઊંચા કરી લેતાં હોય તેમ કહ્યું હતું કે, ઇરાનના સાઉથ પાર્સ પર ઇઝરાયલના હુમલાની અમેરિકાને કોઇ જાણકારી નહોતી. જો કે, ટ્રમ્પની પોલ પાધરી કરતાં ઈઝરાયલી સૂત્રોએ કહ્યું હતું કે, અમેરિકાને જાણ કર્યા પછી જ એ હુમલો કરાયો હતો. વિશ્વભરની બજારોને તેલ-ગેસ પૂરો પાડતા કતર સહિત અખાતી દેશોની તેલ રિફાઇનરીઓ ભડકે બળવા માંડી હતી અને જો તેલ ઉત્પાદન બંધ થઇ જશે તો પેટ્રોલ, ડીઝલ સહિત ઇંધણોના ભાવોમાં ભડકો થશે અને આ `તેલયુદ્ધ'થી વિશ્વભરમાં ગંભીર ઊર્જા સંકટ ઊભું થવાનો ખતરો ઊભો થયો છે. 

Panchang

dd