• શનિવાર, 06 ડિસેમ્બર, 2025

કર્મચારીઓએ `સર'ની ફરજ નિભાવવી પડશે

નવી દિલ્હી, તા. 4 : `સર'નાં કામનાં ભારણની કથિત પરેશાનીનાં કારણે બીએલઓનાં મોતના કિસ્સાઓ અને વિપક્ષી છાવણીના પ્રહાર વચ્ચે સુપ્રીમ કોર્ટે ગુરુવારે એક મહત્ત્વના નિર્દેશમાં જણાવ્યું હતું કે, સરકારી કર્ચચારીઓએ મતદારયાદી સુધારણા (સર)ની ફરજ નિભાવવી જ પડશે. સર્વોચ્ચ અદાલતે સ્પષ્ટ કહ્યું હતું કે, તેમ છતાં કોઈ કર્મચારી પાસે આ ફરજમાંથી મુક્તિ માગવા માટે ખાસ કારણ હોય તો રાજ્ય સરકાર તેની અપીલ પર વિચાર કરીને જરૂર પડયે રજા લેનાર કર્મીનાં સ્થાને બીજા કર્મચારીને નિયુક્ત કરી શકે છે. બ્લોક સ્તરના અધિકારી (બીએલઓ) પર વધારે બોજ હોય તો વધારાનો સ્ટાફ તૈનાત  કરવાનો રહેશે. એ રાજ્ય સરકારોની જવાબદારી છે, તેવું કોર્ટે કહ્યું હતું. દેશના મુખ્ય ન્યાયમૂર્તિ સૂર્યકાંત અને જસ્ટિસ જોયમાલ્યા બાગચીની ખંડપીઠે જણાવ્યું હતું કે, રાજ્ય સરકારના કર્મચારી `સર' સહિત બીજાં બંધારણીય કામો કરવા માટે બાધ્ય છે. રાજ્ય સરકારોનું પણ ચૂંટણીપંચને આવી કામગીરી માટે કર્મચારી ઉપલબ્ધ કરાવવાનું કર્તવ્ય છે, તેવી સ્પષ્ટ વાત સુપ્રીમ કોર્ટે આજે કરી હતી. રાજ્ય સરકારનો વધારાનો સ્ટાફ તૈનાત કરશે, તો બીએલઓનાં કામના કલાકો ઘટાડી શકાશે અને નિયમિત કામગીરી ઉપરાંત `સર'નાં કામ કરતા અધિકારીઓ પરથી ભારણ ઓછું કરી શકાશે, તેવું સુપ્રીમે કહ્યું હતું. ઉલ્લેખનીય છે કે, દેશના સાત રાજ્યમાં એસઆઈઆર (સર)નાં કથિત ભારણનાં કારણે 29 બીએલઓ જીવ ખોઈ ચૂક્યા છે, ત્યારે `સર'ની કામગીરી કરી રહેલા કર્મચારીઓનું ભારણ ઘટાડવા માટે સુપ્રીમનો આ નિર્દેશ મત્ત્વપૂર્ણ લેખાવાઈ રહ્યો છે. દક્ષિણના અભિનેતા વિજયના પક્ષ તમિલગા વેત્રી કઝગમ (ટીવીકે)ની એક અરજીની સુનાવણી દરમ્યાન સર્વોચ્ચ અદાલતે આ ચાવીરૂપ નિર્દેશ આપ્યો હતો. આત્મહત્યાના કિસ્સાઓથી આક્રોશ વચ્ચે સુપ્રીમ કોર્ટે રાજ્ય સરકારોને નિર્દેશ આપ્યો હતો કે, બીએલઓ પર વધુ પડતાં કામનું ભારણ ઓછું થાય તે સુનિશ્ચિત કરવું રાજ્ય સરકારોની જવાબદારી રહેશે.

Panchang

dd