આનંદ
કે. વ્યાસ તરફથી : નવી
દિલ્હી, તા. 5 : આવતીકાલે બિહાર વિધાનસભાની ચૂંટણીના પહેલા તબક્કાનાં
મતદાન અગાઉ કોંગ્રેસના સાંસદ અને લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ આજે ગયાં વર્ષે
હરિયાણા વિધાનસભાની ચૂંટણીમાં મતચોરીના આક્ષેપો કરીને ચૂંટણીપંચ ભાજપના ઇશારે કામ કરી
રહ્યાનો ગંભીર આક્ષેપ કર્યો હતો. કોંગ્રેસ
નેતાના આરોપોનો તરત જ જવાબ આપતાં દેશના ચૂંટણીપંચે જણાવ્યું હતું કે, કોંગ્રેસ તરફથી ચૂંટણી દરમ્યાન
કોઈ પ્રકારની અપીલ કરાઈ ન હોતી. રાહુલ ગાંધીને વાંધો હતો જ, તો
તે વખતે જ તેઓ પોતાની વાત રાખી શક્યા હોત, તેવો તર્ક ચૂંટણીપંચે
આપ્યો હતો. બોગસ મતદારો દ્વારા મતદાન થવા દેવાયું હોવાના આરોપો પર ચૂંટણીપંચે જણાવ્યું
હતું કે, એક થી વધુ નામો ટાળવા માટે સુધારા દરમ્યાન કોંગ્રેસે
કેમ કોઈ વાંધો ન ઉઠાવ્યો. સાથોસાથ બોગસ મતદારો હતા, તે માની પણ
લઈએ તો પણ એવું કેમ કહી શકાય કે, એ મતદારોએ ભાજપને જ મત આપ્યો તેવો
સવાલ પણ ચૂંટણીપંચે કર્યો હતો. નિયમો મુજબ
ક્યાંય પણ કોઈ પણ પક્ષના ઉમેદવારને મતદારયાદી કે ચૂંટણીમાં ગરબડ દેખાય, તો અપીલ કરી શકે છે. કોંગ્રેસે તો કોઈ જ અપીલ કરી ન હોતી. લોકસભામાં વિપક્ષના
નેતાએ કહ્યું હતું કે, અમારા પક્ષને હરિયાણાની ચૂંટણી દરમ્યાન
ગરબડની ઘણી ફરિયાદો મળી હતી. હરિયાણાના એકઝિટ પોલમાં અમારી જીત બતાવાઈ હતી. બ્રાઝિલની
મોડેલે 10 બૂથ પર 22 વખત મતદાન કર્યું. તેણે સીમા, સ્વિટી, સરસ્વતી, વિમળા જેવાં નામો સાથે મત આપ્યાં, તેવો દાવો રાહુલે કર્યો
હતો. કોંગ્રેસ સાંસદે પત્રકાર પરિષદ દરમ્યાન એક મહિલાની તસવીર બતાવી હતી, જેનાં અલગ-અલગ નામ મતદારયાદીમાં નોંધાયેલા હતા. અગાઉની જેમ પત્રકાર પરિષદમાં
રાહુલ ગાંધીએ હરિયાણા વિધાનસભાની ચૂંટણીમાં
મતદારયાદીઓમાં લાખો મતોની હેરાફેરી કરાયાનો આક્ષેપ કર્યો હતો. દિલ્હીમાં કોંગ્રેસ ભવનમાં
રાહુલ ગાંધીએ પાવરપોઇન્ટ પ્રેઝન્ટેશન સાથે કહ્યું હતું કે, હરિયાણામાં
તો એક બ્રાઝિલિયન મહિલા મોડેલ દસ અલગ-અલગ બૂથની મતદારયાદીમાં બાવીસ વાર મતદાતા તરીકે
નોંધાયેલી છે. રાહુલ ગાંધીએ આક્ષેપ કર્યો હતો કે, હરિયાણામાં
મતદારયાદીઓમાં આવા તો હજારો કેસ અમારા ધ્યાનમાં આવ્યા છે, જેનાથી
ભાજપે બોગસ વોટિંગ કરાવીને જીત મેળવી હતી.
રાહુલ ગાંધીએ કહ્યું હતું કે, હરિયાણામાં કોંગ્રેસ માત્ર
22,000 મતોથી ચૂંટણી હારી હતી, પરંતુ હરિયાણામાં અલગ-અલગ દસ
બૂથ ઉપર બાવીસ વાર મતદાતા તરીકે નોંધાયેલી એ ભેદી મહિલા કોણ છે, એની પણ અમે તપાસ કરી છે. છેલ્લી ચૂંટણીઓમાં અમે નોંધ્યું છે કે, જો સાચી રીતે મતદાન થયું હોત તો કોંગ્રેસને બાવનથી 62 સીટો વધુ મળી હોત અને રાજ્ય વિધાનસભાની ચૂંટણીનું
પરિણામ અલગ જ હોત. હરિયાણાના ચૂંટણીના ઇતિહાસમાં પહેલીવાર સામાન્ય મતોના ટ્રેન્ડ કરતાં
પોસ્ટલ વોટિંગનો ટ્રેન્ડ વેગળો રહ્યો. કોંગ્રેસ આ ચૂંટણી માત્ર બાવીસ હજાર મતોથી હારી, પરંતુ કુલ મતોનો તફાવત 1.18 લાખનો હતો.
રાહુલ ગાંધીએ સણસણતો આક્ષેપ કર્યો હતો કે, હરિયાણામાં 25 લાખ મતોની ચોરી કરાઇ હતી. સાડા બાર ટકા બોગસ
મતદારો હતા. લગભગ 93,000 સરનામાં
ખોટાં હતાં, જેના માટે ચૂંટણીપંચ જવાબદાર છે. ગાંધીએ કહ્યું હતું કે, હું ભારતના જેન-ઝી (યુવા વર્ગ)ને કહેવા માગુ છું કે, આ ખેલ સમજો જે જે તમારા ભવિષ્ય સાથે જોડાયેલો છે. દેશમાં નિષ્પક્ષ અને પારદર્શિ
ચૂંટણી પ્રક્રિયાના દાવા થઇ રહ્યા છે એનું યથાર્થ આ તમારી સામે છે, જે હું તમારી સામે સો ટકા પુરાવા સાથે રજૂ કરી રહ્યો છું. હોલમાં અગાઉની ભાજપની
પત્રકાર પરિષદની ક્લિપ દાખવીને રાહુલ ગાંધીએ કહ્યું હતું કે, હરિયાણામાં કોંગ્રેસની જીતને હારમાં બદલાવી નાખવાનું આ એક કાવતરું હતું,
એ તમે ભાજપની આ ક્લિપમાં જોઇ લો, જેમાં હરિયાણાના
મુખ્ય પ્રધાનના મોં પરનાં સ્મિત સાથે વ્યવસ્થા અને બંદોબસ્તની વાત કહી રહ્યા છે.