• શુક્રવાર, 07 નવેમ્બર, 2025

વંશીય રાજકારણ : થરૂરના લેખ પર રાજકીય હંગામો

નવી દિલ્હી, તા. 4 : કોંગ્રેસના સાંસદ શશી થરૂરે એક લેખનાં માધ્યમથી રાજકીય રાજવંશો પર ટિપ્પણી કરી હતી. તેમણે ભાર મૂક્યો કે, કેવી રીતે વંશીય રાજકારણ શાસનની ગુણવત્તાને નબળી પાડે છે. જો કે, તેમની આવી ટિપ્પણીને કારણે રાજકીય હંગામો મચી ગયો છે. કોંગ્રેસના નેતાઓ ભડકી ઊઠયા છે, તો ભાજપાએ રાહુલ ગાંધી અને તેજસ્વી યાદવ પર નિશાનો સાધ્યો હતો. ભાજપે થરૂરના લેખનો કોંગ્રેસ સામે હથિયાર તરીકે ઉપયોગ કર્યો અને રાહુલ ગાંધીને ભત્રીજાવાદના બાળક અને તેજસ્વી યાદવને નાના-ભત્રીજાવાદના બાળક ગણાવ્યા છે. કોંગ્રેસે હજુ સુધી કોઈ સત્તાવાર પ્રતિભાવ જારી કર્યો નથી, પરંતુ પાર્ટીના નેતાઓએ ગાંધી પરિવારના બચાવમાં પ્રતિક્રિયા આપી છે.  કોંગ્રેસના નેતા ઉદિત રાજે કહ્યું, વંશવાદ ફક્ત રાજકારણ પૂરતો મર્યાદિત નથી. તે દરેક ક્ષેત્રમાં ફેલાયેલો છે. ડોક્ટરનો દીકરો ડોક્ટર બને છે. એક ઉદ્યોગપતિનો દીકરો વ્યવસાય સંભાળે છે, તેથી રાજકારણ પણ અપવાદ નથી. નાયડુથી પવાર સુધી, ડીએમકેથી મમતા બેનર્જી સુધી, માયાવતીથી અમિત શાહના દીકરા સુધી રાજવંશોનાં અસંખ્ય ઉદાહરણ છે. કોંગ્રેસના સાંસદ પ્રમોદ તિવારીએ ગાંધી પરિવારનાં બલિદાન અને સમર્પણ પર પ્રકાશ પાડયો. તેમણે કહ્યું કે, પંડિત નેહરુ આ દેશના સૌથી સક્ષમ વડાપ્રધાન હતા. ઇન્દિરા ગાંધીએ પોતાના જીવનું બલિદાન આપ્યું. રાજીવ ગાંધીએ પોતાનું જીવન બલિદાન આપીને દેશની સેવા કરી. ભારતમાં કયા પરિવારમાં આવું બલિદાન, સમર્પણ અને ક્ષમતા હતી ? શું ભાજપ પાસે આવું હતું ? થરૂરે એક લેખમાં લખ્યું હતું કે, ભારતમાં રાજનીતિ ફેમિલી બિઝનેસ એટલે કે, પારિવારિક વ્યવસાય બની ગઇ છે. જ્યાં સુધી રાજકારણ પરિવારોની આસપાસ ફરતું રહેશે, ત્યાં સુધી લોકતાંત્રિક સરકારનો અસલી અર્થ પૂરો નહીં થાય, તેવું તેમણે નોંધ્યું હતું. ભારતીય રાજનીતિએ વંશવાદ છોડીને પાત્રતા આધારિત વ્યવસ્થા જ અપનાવવી જોઇએ, તેવું સૂચન થરુરે કર્યું હતું.  ભાજપે થરુરના આવા વિચારોને રાહુલ ગાંધી અને કોંગ્રેસ નેતૃત્વ પ્રત્યે અસંતોષનો સ્પષ્ટ સંકેત લેખાવ્યા હતા. 

Panchang

dd