નવી દિલ્હી, તા.7 : ભારતે પાકિસ્તાન
અને પાકિસ્તાનના કબજાગ્રસ્ત કાશ્મીર (પીઓકે)માં લપાયેલા આતંકવાદીઓના સફાયા માટે મધ્યરાત્રિના
`ઓપરેશન સિંદૂર' ચલાવ્યું હતું. આ ઓપરેશનની વિગતો આપવા મટે સેનાએ
પત્રકાર પરિષદ યોજી હતી. આ પરિષદ દરમ્યાન બે ચહેરાએ સૌનું ધ્યાન ખેંચ્યું હતું અને
જે ભારતની નારીશક્તિના પ્રતીક બન્યા હતા. આ બંને ચહેરા હતા કર્નલ સોફિયા કુરેશી અને વિંગ કમાન્ડર વ્યોમિકા
સિંહ. સોશિયલ મીડિયા પર લોકો તેની ભરપૂર પ્રશંસા કરી રહ્યા છે. બંને મહિલા અધિકારીએ
ભારતીય સેનાની તાકાત અને પરાક્રમને દુનિયાની સામે રાખ્યા હતા. કર્નલ સોફિયા કુરેશી
ગુજરાતના વડોદરાનું ગૌરવ છે. તેમનું નામ સૌથી પહેલાં એ વખતે ચર્ચામાં આવ્યું હતું જ્યારે
તેમણે 18 દેશની બહુરાષ્ટ્રીય સેનાડ્રિલમાં
ભારત તરફથી આગેવાની સંભાળી હતી. કુરૈશી સેનાના કોમ્યુનિકેશન અને માહિતી પ્રણાલીની જવાબદારી
સંભાળે છે. કર્નલ સોફિયાએ એમ.એસ. યુનિવર્સિટીમાંથી
1997માં બાયો કેમેસ્ટ્રીમાં માસ્ટર્સનો
અભ્યાસ પૂર્ણ કર્યો હતો. સોફિયા ભારતીય સેનામાં શોર્ટ સર્વિસ કમિશનમાં 1999માં જોડાયા ત્યારે તેમની ઉમર
માત્ર 17 વર્ષની હતી. તેમના દાદા પણ
સેનામાં હતા. પિતાએ સેનામાં ધાર્મિક શિક્ષકના રૂપમાં સેવા આપી હત અને પતિ પણ મેકેનાઈઝ્ડ
ઈન્ફ્રેન્ટ્રીમાં આર્મી અધિકારી છે. યુનાઈટેડ નેશન્સની પીસ કીપિંગ ઓપરેશન દરમ્યાન છ
વર્ષના સેવાકાળ દરમ્યાન તેઓ કોંગોમાં તૈનાત રહ્યા હતા. વિંગ કમાન્ડર વ્યોમિકા સિંહ ભારતીય વાયુસેનામાં
એક નિષ્ણાત હેલિકોપ્ટર પાઇલટ છે. તે પડકારજનક ભૂપ્રદેશમાં ચેતક અને ચિત્તા જેવા વિશિષ્ટ
હેલિકોપ્ટર ચલાવે છે. તે સશસ્ત્ર દળોમાં જોડાનાર તેમના પરિવારની પ્રથમ મહિલા છે. અને
છેલ્લા 21 વર્ષથી વાયુસેનામાં સેવા આપી
રહ્યા છે. વિંગ કમાન્ડર વ્યોમિકા પાસે 2,500 કલાકથી વધુ ઉડાનનો અનુભવ છે. તેમણે જમ્મુ અને કાશ્મીર અને ઉત્તર
પૂર્વ સહિત મુશ્કેલ પર્વતીય પ્રદેશોમાં ચેતક અને ચિત્તા જેવા હેલિકોપ્ટર ચલાવ્યા છે.