નવી દિલ્હી, તા.19 : કાંગો નદીમાં
લાકડાંથી બનેલી એક મોટરબોટમાં આગ લાગવાથી અત્યાર સુધીમાં ઓછામાં ઓછા 148નાં મોત થયાં છે જ્યારે અનેક
યાત્રીઓ લાપતા છે. કાંગો નદી આફ્રિકાની બીજી સૌથી મોટી નદી છે. આ નદી મધ્ય આફ્રિકાથી
વહે છે અને તેનો મોટાભાગનો હિસ્સો ડેમોક્રેટિક રિપબ્લિક ઓફ કાંગો (ડીઆરસી)માં સ્થિત
છે. આ દુર્ઘટના મંગળવારે બની હતી જેમાં લાકડાંની
મોટરબોટ એચબી-કોંગોલોમાં અચાનક આગ લાગી હતી. આગ લાગ્યા બાદ તે નદીમાં પલટી ગઈ હતી.
આ નૌકા મતાનકુસુ બંદરેથી બોલોંબો ક્ષેત્ર તરફ જઈ રહી હતી. નદી સુરક્ષા વિભાગના અધિકારીએ
જણાવ્યું કે એક મહિલા નૌકા પર ભોજન બનાવી રહી હતી એ દરમ્યાન ચૂલામાંથી તણખો નીકળ્યો
હતો જેણે જોતજોતામાં વિકરાળ આગનું રૂપ લઈ લીધું હતું. આ ભયાનક દુર્ઘટનાનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં આગમાં
લપેટાયેલી નૌકામાંથી લોકો ભયના માર્યા નદીમાં કૂદી રહ્યા હતા. એજન્સી અનુસાર નૌકામાં
આશરે 500 લોકો સવાર હતા. દુખની બાબત
એ હતી કે નદીમાં કૂદનારા લોકો તરવાનું જાણતા ન હતા તેને કારણે ડૂબીને મૃત્યુ પામનારાઓની
સંખ્યા વધારે હતી. ઈક્વેટર પ્રાંતના સાંસદ જીન-પોલ બોકેત્સુ બોફિલીએ કહ્યું કે 150થી વધુ લોકો ગંભીર દાઝ્યા છે
પરંતુ તેમને સારવાર મળી નથી.