• બુધવાર, 05 ફેબ્રુઆરી, 2025

અમેરિકાના 47મા રાષ્ટ્રપતિ બન્યા ટ્રમ્પ

નવીદિલ્હી, તા.20: અમેરિકામાં ફરી એકવાર ટ્રમ્પ યુગનો આરંભ થઈ ગયો છે. ભારતીય સમયાનુસાર આજે રાતે 10.30 કલાકે ડોનાલ્ડ ટ્રમ્પે અમેરિકાની રાજધાની વોશિંગ્ટન ડીસીમાં બર્ફીલા તોફાન અને હાંજા ગગડાવતી ટાઢ વચ્ચે પણ વોશિંગ્ટન ડીસીનાં માર્ગો ઉપર બે લાખની પ્રચંડ મેદનીની હાજરી વચ્ચે અમેરિકાનાં 47મા રાષ્ટ્રપતિ તરીકે પદ અને ગોપનીયતાનાં શપથ ગ્રહણ કર્યા હતાં. આ સાથે જ અમેરિકામાં 140 વર્ષ બાદ પહેલીવાર એક વખત રાષ્ટ્રપતિ રહ્યા પછી બીજા કાર્યકાળ માટેની ચૂંટણી હાર્યા બાદ ફરીથી રાષ્ટ્રપતિ પદે આરૂઢ થયા છે. તેમણે પદગ્રહણ કરવા સાથે જ એક્શન મોડમાં આવીને 100 જેટલા કાર્યકારી આદેશો ઉપર હસ્તાક્ષર કર્યા હતાં. ભારતના પ્રતિનિધિ તરીકે ઉપસ્થિત રહેલા વિદેશમંત્રી એસ. જયશંકરે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો પત્ર પાઠવીને ટ્રમ્પને શુભેચ્છા આપી હતી. અત્યંત ખરાબ હવામાનનાં પ્રકોપ વચ્ચે ઠંડીએ વોશિંગ્ટનમાં તમામ વિક્રમો તોડી નાખ્યા છે. આ સંજોગોમાં 40 વર્ષનાં લાંબા સમયગાળા પછી શપથ સમારંભ ખુલ્લા આકાશનાં બદલે વ્હાઈટ હાઉસની અંદર જ ખાસ નિમંત્રિતોથી ખીચોખીચ ભરેલા કેપિટલ રોટુંડામાં યોજવામાં આવ્યા હતાં. દુનિયાનાં માંધાતાઓની હાજરીથી શોભિત જાજરમાન અને ગરિમાપૂર્ણ સમારોહમાં ટ્રમ્પે અમેરિકાનાં બંધારણની રક્ષાનાં નામે 3પ શબ્દોનાં શપથ લીધા હતાં. ટ્રમ્પે અમેરિકાનાં પૂર્વ રાષ્ટ્રપતિ અબ્રાહમ લિંકન અને પોતાનાં માતાએ ભેટમાં આપેલી બાઈબલ ઉપર હાથ રાખીને શપથ લીધા હતાં. તેમને ચીફ જસ્ટિસ જોન રોબર્ટ્સને શપથ લેવડાવ્યા હતાં. ટ્રમ્પ પહેલા ઉપરાષ્ટ્રપતિ પદનાં શપથ જે.ડી.વેન્સે લીધા હતાં. ત્યાર બાદ રાષ્ટ્રપતિ તરીકે તેમણે પ્રથમ ભાષણ કર્યુ હતું.  જેમાં તેમણે સૌપ્રથમ સૌ ઉપસ્થિતોથી લઈને અમેરિકાવાસીઓનો આભાર માન્યો હતો. તેમણે પોતાનાં ભાષણનાં આરંભને અમેરિકાનાં સુવર્ણયુગનો શુભારંભ ગણાવ્યો હતો અને અમેરિકા ફર્સ્ટનો નારો દોહરાવ્યો હતો. તેમણે અમેરિકા ટૂંકસમયમાં જ અમેરિકા ફરીથી વધુ મહાન અને મજબૂત બનશે તેવો કોલ આપ્યો હતો. તેમણે અમેરિકા અને દુનિયા સામેનાં પડકારોની પણ વાત કરી હતી અને તેનાં ઉકેલનાં પ્રયાસોની ખાતરી પણ આપી હતી. ટ્રમ્પનાં શપથ સમારોહ માટે વોશિંગ્ટન ડીસીના માર્ગો ઉપર આશરે 2 લાખ જેટલી મેદની ઉમટી હતી. અમેરિકાનાં પાટનગરમાં દેશ-વિદેશનાં દિગ્ગજોનો મેળાવડો જામી ગયો હતો. ટેકનિકલ જગતનાં સંખ્યાબંધ માંધાતાઓ આ સમારંભમાં હાજર રહ્યાં હતાં. જેમાં એલન મસ્ક, જેફ બોઝેસ, માર્ક ઝુકરબર્ગ, સુંદર પિચાઈનો સમાવેશ થતો હતો. આ ઉપરાંત અમેરિકાએ જેનાં ઉપર પ્રતિબંધ લાદી દીધો તેવા ટિકટોકનાં પ્રમુખ શો ચીવને પણ આ સમારોહમાં નિમંત્રિત કરાયા હતાં. અમેરિકાનાં પૂર્વ રાષ્ટ્રપતિ જો બાઈડન, બિલ ક્લિંટન, જ્યોર્જ ડબલ્યૂ બુશ અને બરાક ઓબામા પણ પરિવાર સહિત આ શાનદાર સમારોહમાં ઉપસ્થિત રહ્યાં હતાં. વિદેશી નેતાઓની વાત કરવામાં આવે તો ઈટાલીનાં પ્રધાનમંત્રી જ્યોર્જિયા મેલોની, હંગેરીનાં વિક્ટર ઓર્બાન અને આર્જેંટિનાનાં રાષ્ટ્રપતિ ઝેવિયર માઈલી અને ભારતનાં પ્રતિનિધિ તરીકે વિદેશમંત્રી એસ.જયશંકર પણ શપથ સમારોહમાં હાજર રહ્યાં હતાં. આ ભવ્ય અને રંગારંગ સમારંમાં લી ગ્રીનવુડ, કેરી અંડરવુડ, જેસન એલડીન, રેસ્કલ ફ્લેટ્સ અનુ ગેવિન ડીગ્રુ જેવા અનેક ગાયકો અને સેલિબ્રિટીઓ પણ ચમક્યા હતાં અને તેમનાં તરફથી રંગારંગ કાર્યક્રમમાં પોતાની કલાનું પ્રદર્શન કરવામાં આવ્યું હતું. ટ્રમ્પે પરંપરા કાયમ રાખતા શનિવારની રાત વ્હાઈટ હાઉસની સામે પેન્સિલ્વેનિયા એવન્યૂમાં રાષ્ટ્રપતિનાં અધિકૃત અતિથિગૃહ બ્લેર હાઉસમાં જ વીતાવી હતી. તેઓ વર્જીનિયાનાં સ્ટર્લિંગમાં પોતાનાં ગોલ્ફ ક્લબમાં એક પાર્ટી પછી બ્લેર હાઉસ પહોંચ્યા હતાં. શપથ માટે કેપિટલ હિલ સુધીની પરેડ શરૂ થયા પૂર્વે ટ્રમ્પે નજીકનાં જ ચર્ચમાં પ્રેયરમાં પણ ભાગ લીધો હતો. કેપિટલ હિલ સુધીની ટ્રમ્પની યાત્રા દરમિયાન વોશિંગ્ટન ડીસીનાં માર્ગો તેમનાં સમર્થકોથી ઉભરાઈ ગયા હતાં. ત્યાર બાદ વ્હાઈટ હાઉસમાં વિદાય લેતા રાષ્ટ્રપતિ બાઈડને ટ્રમ્પને આવકાર્યા હતાં.

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang

dd