નવી દિલ્હી, તા. 29 : સંભલની શાહી જામા મસ્જિદના મામલામાં સુપ્રીમ કોર્ટે શુક્રવારે
મહત્વની સુનાવણી કરતાં મોટા ફેંસલામાં જણાવ્યું હતું કે, મસ્જિદનો સર્વે હાલ નહીં ખુલે,
સાથે નીચલી અદાલતની કાર્યવાહી પર આઠ જાન્યુઆરી સુધી રોક મૂકી દીધી હતી. જામા મસ્જિદ
સમિતિએ ટ્રાયલ કોર્ટના આદેશને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો. સુપ્રીમ કોર્ટે સમિતિને
હાઈકોર્ટમાં જવા માટે જણાવ્યું છે. હાઈકોર્ટને મસ્જિદ સમિતિની સર્વે વિરોધી અરજીનું
લિસ્ટીંગ ત્રણ દિવસમાં કરવાનો આદેશ આપ્યો છે. મુખ્ય ન્યાયમૂર્તિ સંજીવ ખન્ના અને ન્યાયમૂર્તિ
પી. વી. સંજયકુમારની ખંડપીઠે સર્વે કમિશનરના અહેવાલને સીલબંધ કવરમાં રાખવાનો આદેશ આપ્યો
હતો. સુપ્રીમે ઉત્તરપ્રદેશ સરકાર વતી હાજર રહેલા અધિક સોલિસિટર જનરલ એમ. નટરાજનને કહ્યું
હતું કે, આપણે શાંતિ અને સદ્ભાવ જાળવી રાખવાં પડશે. દરમ્યાન, મસ્જિદ સમિતિની એક માંગ
નકારતાં સર્વોચ્ચ અદાલતે જણાવ્યું હતું કે, સર્વે અહેવાલ દાખલ કરતા કોઈને રોકી ન શકાય,
પરંતુ આ અહેવાલ સીલબંધ કવરમાં જ રખાશે. મસ્જિદ સમિતિની અરજી પર સુપ્રીમ કોર્ટે હજુ
કોઈ અંતિમ ફેંસલો કે અભિપ્રાય નથી આપ્યા. અરજી પર હવે સુનાવણી છ જાન્યુઆરીના થશે. હવે
મસ્જિદ સમિતિ હાઈકોર્ટમાં અરજી દાખલ કરશે. ત્રણ દિવસની અંદર સુનાવણી શરૂ થશે.