નવી દિલ્હી, તા. 26 : નવાં સંસદ ભવન બાદ હવે સેંગોલ (રાજદંડ) પર રાજકીય ઘમસાણ સર્જાયું છે. એકતરફ કોંગ્રેસે સેંગોલ પર ભાજપના દાવાઓને ખોટા ગણાવ્યા છે, તો બીજી તરફ દેશના ગૃહમંત્રી અમિત શાહે પલટવાર કરતાં કહ્યું છે કે, કોંગ્રેસીઓએ સેંગોલને વોકિંગ સ્ટિક (ચાલવાની લાકડી) સમજીને સંગ્રહાલયમાં મોકલી દીધી હતી. વરિષ્ઠ કોંગ્રેસ નેતા જયરામ રમેશે જણાવ્યું હતું કે, આઝાદી વખતે સત્તા હસ્તાંતરણના પ્રતીક તરીકે નેહરુજીને સેંગોલ સોંપાયો હતો, તેવું કહેતા કોઇ દસ્તાવેજી પુરાવા જ નથી. એમાં કોઇ આશ્ચર્ય નથી કે આપણી સંસદને `વોટ્સએપ યુનિવર્સિટી'માંથી મળેલાં જ્ઞાનથી દૂષિત કરાય છે, તેવો કટાક્ષ રમેશે કર્યો હતો. તેમણે એવો આરોપ પણ મૂક્યો હતો કે, ભાજપ અને આરએસએસ પુરાવા વિના તથ્યો તોડી-મરડીને રજૂ કરે છે. એ વાત સાચી કે મદ્રાસમાં તૈયાર કરીને સેંગોલ 1947માં તત્કાલીન વડાપ્રધાન જવાહરલાલ નેહરુને સોંપાયો હતો, પરંતુ માઉન્ટબેટન, રાજાજી અને નેહરુએ આ રાજદંડને ભારતમાં બ્રિટિશ સત્તાના હસ્તાંતરણનું પ્રતીક ગણાવ્યો હોય તેવા કોઇ જ પુરાવા નથી તેવું કોંગ્રેસ નેતાએ કહ્યું હતું. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કોંગ્રેસ પક્ષ ભારતીય સંસ્કૃતિ અને પરંપરાઓથી આટલી નફરત શા માટે કરે છે, તેવો સવાલ ઊઠાવ્યો હતો. પંડિત નેહરુને તામિલનાડુના એક પવિત્ર શૈવમઠ તરફથી ભારતની સ્વતંત્રતાના પ્રતીકના રૂપમાં પવિત્ર સેંગોલ અપાયો હતો. કોંગ્રેસે તેને વોકિંગ સ્ટિક સમજી, સંગ્રહાલયમાં મોકલી દીધો. ઇતિહાસને ખોટો પાડનાર કોંગ્રેસને તેની વિચારધારા પર મંથન કરવાની જરૂર છે તેવા પ્રહાર અમિત શાહે કર્યા હતા.