ગાંધીધામ, તા. 25 : ભચાઉ તાલુકાના મોટી ચીરઈ પાસે
ડિવાઈડર ઉપર ચડી ગયેલી ટ્રકમાં આગ ભભૂકતાં કલાકોની જહેમત બાદ આગ ઉપર કાબૂ મેળવાયો હતો.
આ અંગે મળતી વિગતો મુજબ ગત રાત્રિના 11.30 વાગ્યે ડ્રાઈવરે સ્ટીયરિંગ
પર કાબૂ ગુમાવતાં અકસ્માત થયો હતો અને બ્રિજમાં ડિવાઈડર ઉપર આખી ટ્રક આશરે 50 મીટર જેટલી ચડી ગઈ હતી. ટ્રકમાં
મોટા ભાગે કોલસો-લિગ્નાઈટ ભરેલા હતા. અકસ્માત બાદ ટ્રકનાં ટાયરમાં આગ લાગતાં ભચાઉ નગરપાલિકા
ફાયર ટીમને 112 મારફતે જાણ થતાં ફાયર ટીમ તાત્કાલિક
ઘટના સ્થળે પહોંચી ટાયર પર લાગેલી આગ પર પાણીનો
મારો ચલાવ્યો હતો. આગ કેબિન તથા કોલસામાં પહોંચે તે પહેલાં તેના પર સંપૂર્ણ કાબૂ મેળવવા
પ્રયાસો હાથ ધર્યા હતા. સતત ત્રણ કલાકની મહેનત બાદ ફાયર ટીમે આગ પર સંપૂર્ણ કાબૂ મેળવ્યો
હતો. સદ્ભાગ્યે આ ઘટનામાં કોઈ પણ જાનહાની થઈ નથી. આ કામગીરીમાં ભચાઉ ફાયર ટીમના પ્રવીણ
દાફડા, કુલદીપભાઈ, શક્તાસિંહ,
જયરાજાસિંહ જોડાયા હતા. 112 ટીમ પણ ઘટના સ્થળે હાજર રહી હતી.