માત્ર 15 મિનિટમાં તસ્કરોએ કળા કરી
ગાંધીધામ, તા. 15 : અંજારથી
ઉપડેલી બસમાં સવાર આધેડ પાસે રહેલા રૂા. 2,32,910ના દાગીના ભરેલી પર્સની
કોઈ શખ્સોએ ચોરી કરી હતી. દશ દિવસ પહેલાના બનાવમાં પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી
છે. અંજારના ભીમાસરમાં રહી રામાસિલિન્ડર કંપનીમાં કામ કરતા રમેશ કાનાભાઈ બારીયાએ બનાવ
અંગે પોલીસ મથકે આજે ફરિયાદ નોંધાવી હતી. ગત તા. 6/11ના તે
પોતાની પત્ની અને બે પૌત્ર સાથે વતન પંચમહાલ જવા નીકળ્યા હતા. તેમણે ભુજથી સંજેલી જતી
બસમાં બુકિંગ કરાવ્યું હતું. અંજાર બસ મથકે પહોંચ્યા બાદ બસ આવતા આ આધેડ પરિવાર સાથે
બસમાં બેઠા હતા. તેમણે લેડીસ પર્સમાં દાગીના મૂકી તે પર્સ પોતાના પેન્ટના ખિસ્સામાં
મુકાયું હતું. બસમાં ચડયા અને બેઠા ત્યાર સુધી પર્સ ખિસ્સામાં હતું. બાદમાં બસ ઉપડતા
સામાન આગળ હોવાથી સામાન લઈને ફરિયાદી પરત પોતાની સીટ પાસે ગયા હતા અને વરસામેડી ઓવર
બ્રિજ બહાર નીકળતા ફરિયાદીએ પર્સની તપાસ કરતા તે ગુમ જણાયું હતું. જેથી ફરિયાદીએ બસ
રોકાવીને આસપાસમાં તપાસ કરી હતી. પરંતુ દાગીના ભરેલું પર્સ ન મળતા ફરિયાદીએ પોતાના
દીકરાને ફોન કરી ત્યાં બોલાવ્યો હતો અને બીજા દિવસે પોલીસ મથકે જઈને જાણ પણ કરી હતી.
તેમના પાસે રહેલા લેડીઝ પર્સમાં સોનાનું મંગળસૂત્ર, સોનાનું
લોકેટ, સોનાની ચેન, સોનાની ચાર વિટ્ટી,
ગળામાં, પહેરવાનો ઓમ, ચાંદીની
વીટી મળીને કુલ રૂા. 2,32,910ના દાગીના હતા. જે કોઈ શખ્સોએ માત્ર 15 મિનિટમાં
ચોરી કરી હતી. પોલીસે આજે ગુનો નોંધીને આગળની તપાસ હાથ ધરી છે.