મેઘપર (બો.) વિસ્તારમાં કરાઈ કાર્યવાહી : મોબાઈલ
ફોન કબજે કરાયા
ગાંધીધામ, તા. 13 : પૂર્વ
સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (એસઓજી) પોલીસ ટીમે ઓપરેશન ડેલ્ટા હન્ટ અંતર્ગત અંજાર તાલુકાના
મેઘપર બોરીચી વિસ્તારમાંથી ઘૂસણખોર બે બાંગલાદેશી
મહિલાઓને ઝડપી પાડી હતી. મેઘપર બોરીચીમાં આવેલા
હ્યુન્ડાઈના શો-રૂમ નજીક બે બાંગલાદેશી મહિલાઓ હોવાની પૂર્વ બાતમીના આધારે તપાસ હાથ
ધરી હતી. પ્રાથમિક પુછપરછ દરમ્યાન કાયદાના સકંજામાં આવેલા બાંગલાદેશના સાથી હુશેન સિકધાર
(મુસ્લિમ) તેમજ મીનારા બેગમ આયબ મુલ્લા બાંગલાદેશી પાસપોર્ટ તથા ભારતીય વિઝા વગર ગેરકાયદેસર
રીતે સરહદ ઓળંગીને ભારતમાં આવી હોવાનું સપાટી ઉપર આવ્યુ હતું. ગેરકાયદેસર ઘૂસણખોર મહિલા
પાસેથી ત્રણ મોબાઈલ ફોન હસ્તગત લઈને પોલીસે બંને મહિલાને ડિટેઈન કરી વધુ છાનબીન હાથ
ધરી છે. આ મહિલાઓ કયા કારણોસર અહીં આવી હશે તેના સંપર્કમાં કોણ-કોણ આવ્યું હશે, તે દિશામાં તપાસ આવશ્યક હોવાનું તજજ્ઞોએ
ઉમેર્યું હતું. નોંધપાત્ર છે કે, અંજાર શહેર અને આજુબાજુના
વિસ્તારમાં મોટા પ્રમાણમાં પરપ્રાંતીય લોકો વસવાટ કરી રહ્યા છે તેવામાં સ્થાનિક પોલીસ
દ્વારા બી-રોલની અસરકારક કામગીરી ન કરાતી હોવાની ફરિયાદ વચ્ચે સ્થાનિક પોલીસને અંધારામાં
એસઓજીની ટીમે કાર્યવાહી કરતાં અનેક સવાલો ઊભા થયા છે.