ભુજ, તા. 20 : માંડવી તાલુકાના ત્રગડીમાં એલસીબીએ સપાટો બોલાવી કુખ્યાત બુટલેગર યુવરાજસિંહના ઘાસ ગોદામમાં છુપાવેલો રૂા. 29 લાખનો શરાબ ઝડપી પાડયો હતો. આ ઉપરાંત અન્ય યુવરાજસિંહ ઉર્ફે ટીટીના મકાનના ગુપ્ત રૂમમાંથી 1.58 લાખનો શરાબ પકડી પાડયો હતો. આ અંગે એલસીબીએ જાહેર કરેલી વિગતો મુજબ તેમની ટીમને પેટ્રોલિંગ તથા વોચ દરમ્યાન બાતમી મળી કે, યુવરાજસિંહ વજુભા જાડેજા (રહે. ત્રગડી) (તા. માંડવીવાળો) તેના મળતિયા મેહુલસિંહ ચંદુભા ઝાલા, રામદેવસિંહ ચંદુભા ઝાલા (રહે. બંને માંડવી), દિવ્યરાજસિંહ સુરુભા જાડેજા અને પારસ મયૂરગર ગૌસ્વામી (રહે. બંને ત્રગડીવાળા) સાથે મળી યુવરાજસિંહની ત્રગડીથી મીઠા પોર્ટ તરફ જતા રસ્તા પર આવેલી પોતાની કબજા-ભોગવટાની ત્રગડી સીમની વાડીમાં ઘાસના ગોદામમાં છૂપો રૂમ બનાવી તેમાં રાજ્ય બહારથી ગેરકાયદે રીતે શરાબનો જથ્થો મગાવી છુપાવી રાખ્યો છે. આ બાતમીનાં પગલે દરોડો પાડતાં અલગ-અલગ બ્રાન્ડની શરાબની નાની-મોટી 7800 બોટલ જેની કિં. રૂા. 29,00,136 મળી આવતાં જપ્ત કરવામાં આવ્યો હતો. દરોડા દરમ્યાન આરોપીઓ હાજર મળી આવ્યા ન હતા. આ કામના મુખ્ય આરોપી યુવરાજસિંહ વજુભા જાડેજાનો ગુનાહિત ઇતિહાસ ખરડાયેલો છે.દારૂ સંબંધિત તેના ઉપર વિવિધ પોલીસ મથકોએ કુલ્લ મળીને 42 ગુના દાખલ થયેલા છે. મેહુલસિંહ ઉપર પણ આઠ અને રામદેવસિંહ ઉપર પાંચ તથા દિવ્યરાજસિંહ પર ત્રણ ગુના દાખલ છે. આ દરોડા ઉપરાંત પણ એલસીબીએ બાતમીના આધારે યુવરાજસિંહ ઉર્ફે ટીટી મનુભા જાડેજા (રહે. ત્રગડી)નાં મકાનની બાજુમાં પતરાંના શેડવાળી ઓરડીની બાજુમાં એક ગુપ્ત રૂમ પર દરોડો પાડીને અલગ-અલગ બ્રાન્ડની નાની-મોટી શરાબની બોટલ નંગ-396 કિં. રૂા. 1,28,304 તથા બિયરના ટીન નંગ 238 કિં. રૂા. 29,750 એમ કુલ્લે રૂા. 1,58,054નો શરાબનો જથ્થો જપ્ત કર્યો હતો. દરોડા દરમ્યાન આરોપી હાજર મળ્યો ન હતો. આ કામગીરીમાં એલસીબીના પી.આઇ. એ. એમ. મકવાણા, પીએસઆઇ જે.બી. જાદવ, એમ. એચ. શિણોલ, એએસઆઇ દેવજીભાઇ મહેશ્વરી, પ્રદ્યુમનસિંહ ગોહીલ, અનિરુદ્ધસિંહ રાઠોડ, મૂળરાજભાઇ ગઢવી, ધર્મેન્દ્રભાઇ રાવલ, સૂરજભાઇ વેગડા, હે.કો. લીલાભાઇ દેસાઇ, દર્શન રાવલ, કો. મહેશભાઇ ચૌહાણ, ડ્રાઇવર મહેન્દ્રસિંહ જાડેજા તથા અશ્વિનભાઇ ગઢવી જોડાયા હતા. - 16.70 લાખના શંકાસ્પદ ચોખા સાથે ટ્રક-ટ્રેઈલર ઝડપાયા : એલસીબીના શરાબના દરોડાની કાર્યવાહી દરમ્યાન જ બાતમીના આધારે ત્રગડીથી મીઠા પોર્ટ તરફ જતા કાચા રસ્તા પર દરોડો પાડતાં એક ટ્રેઈલર નં. એચ.આર.-61-એફ-4387 (ટ્રોલી સહિત) જેની કિં. રૂા. 20 લાખ તથા આઇવા ટ્રક નં. જી.જે. -18-એ. ટી.- 9444 જેની કિં. રૂા. પાંચ લાખ આ બંને વાહનમાં ચોખાની 50 કિલોની બોરીઓ નંગ 835 કિં. રૂા. 16,70,000 મળી આવ્યા હતા. દરોડા દરમ્યાન પોલીસને જોઇ આરોપીઓ નાસી છૂટયા હતા. એલસીબીએ તમામ મુદ્દામાલમાં કલમ 106 મુજબ તપાસ અર્થે કબજો કરવામાં આવ્યો છે.