ગાંધીધામ, તા. 3 : શહેરના કલેક્ટર રોડ ઉપર
નગરપાલિકાના સમયમાં મુખ્ય વરસાદી નાળાં
ઉપર બનેલી કન્ટેનર કેબિનનું પતરું તૂટી ગયું
હોવાનો બનાવ બનતા ભારે દોડધામ થઈ પડી હતી. આ બનાવનાં પગલે નબળાં કામની પોલ છતી થઈ હતી.જે
તે સમયે કલેક્ટર રોડને પહોળો કરવા માટે મુખ્ય
વરસાદી નાળાં ઉપર કન્ટેનર ગોઠવીને સેંકડો દુકાન બનાવવમાં આવી હતી, જેમાં નાના વેપારીઓ અહી ધંધો કરી રહ્યા છે. આ અંગે મળતી વિગતો મુજબ આ બનાવ આજે બપોરના અરસામાં બન્યો હતો. દુકાનમાં
કામગીરી ચાલુ હતી તે અરસામાં અચાનક લોખંડનું તળિયું તૂટી ગયું હતું. ત્રણ જણ કામ
કરતા હતા, તે પૈકી બે જણ નાળાંમાં પટકાયા હતા, જ્યારે એક વ્યક્તિ બચી ગઈ હતી. બનાવનાં પગલે લોકોનું ટોળું એકત્ર થયું હતું
. દુકાનના માલિક સહિતના નાળાંમાં પડેલા લોકોને
બહાર કાઢવામાં આવ્યા હતા. ભોગ બનનારને થોડો
સમય માટે તો શું થયું તેનો કંઈ ખ્યાલ જ ન હતો
આવ્યો, તો ભૂકંપ આવ્યો કે શું તેવો પણ વિચાર આવ્યો હતો. નાળાંમાં
પડી ગયેલા એક કિશોરને પગમાં અસ્થિભંગ સહિતની ઈજાઓ પહોંચી હોવાનું જાણવા મળ્યું હતું.
મળતી વિગતો મુજબ માત્ર બેથી અઢી વર્ષ પહેલાં જ આ દુકાનો નગરપાલિકા દ્વારા બનાવવામાં
આવી હતી. જો આટલા સમયમાં જ આવી સ્થિતિ સર્જાતી હોય, તો આગળ જતાં
અન્ય કેબિનોની હાલત શું થશે તેવો સવાલ લોકો ઊઠાવી રહ્યા છે. હાલ આ બનાવનાં પગલે વેપારીને તળિયું લગાડવાનો વધારાનો આર્થિક બોજ આવી પડયો છે. અગાઉ લગાવાયેલું સ્ટ્રક્ચર મજબૂત ન હોવાનું
જાણકારોએ જણાવ્યું હતું.