• રવિવાર, 28 જૂન, 2026

જમીન વેચાણના બહાને 1.39 કરોડ પડાવ્યા

ભુજ, તા. 27 : વાંકીની જમીનનો વેચાણ સાટાકરાર બતાવી રૂા. 1,39,41,000 મેળવી જમીનનો દસ્તાવેજ ન બનાવી આપી છેતરપિંડી-વિશ્વાસઘાત કર્યાની ફરિયાદ ચકચારી પત્રી હત્યા કેસના આરોપી વેજીબેન વાલજી ચાડ સહિત પાંચ સામે નોંધાઇ છે. આ અંગે ગઇકાલે પ્રાગપર પોલીસ મથકે ભુજના જમીન લે-વેચના વ્યાવસાયી મહમદ રફીક હાજી ખોજાએ નોંધાવેલી ફરિયાદ મુજબ આઠેક માસ પહેલાં તેની ખેતીની જમીન વેચી હોવાથી નાણાં આવતાં તેના મિત્રએ જણાવ્યું કે, તારે અન્ય ખેતીની જમીન લેવી હોય તો વાંકી ગામે છે અને તેનો સોદો વેજીબેને કર્યો છે અને તેનો વેચાણકરાર થયેલો છે. તે આ જમીન વેચવા માગે છે, આથી ફરિયાદીએ રસ દાખવી જમીન રે. સર્વે નં. 368 જેના હેક્ટર 8-94-36 આરે (એકર 22-04 ગુંઠા) જોઇ હતી અને વેજીબેને જમીનના મૂળ માલિક જોહરાબાઇ અમીરઅલી ખોજા તથા તેના પરિવારના સભ્યોએ વેજીબેનનાં નામે કરી આપેલા વેચાણ કરારની નકલ વેજીબેને ફરિયાદીને બતાવતાં અને ફરિયાદીએ આ જમીનનો સોદો રૂા. 2,86,25,000માં નક્કી કર્યો હતો. ફરિયાદી સાથે વેચાણકરાર કરી તેની પાસેથી બેન્ક ચેકથી રૂા. 10 લાખ તથા રોકડા રૂા. 30 લાખ મેળવી અને આરોપી જોહરાબાઇ અમીરઅલી ખોજા (વાંકી), અમીન અમીરઅલી ખોજા (માધાપર), ઇરફાન અમીરઅલી ખોજા (વાંકી), કરીશ્મા અમીરઅલી ખોજા (વાંકી)એ ફરિયાદી તથા સાહેદ પાસેથી બેન્ક ચેક દ્વારા રૂા. 49,91,000 અને રોકડા રૂા. 45 લાખ અલગ-અલગ સમયે, તારીખે મેળવી લીધા હતા અને આ બાબતેના વ્યવહારો અંગે આરોપી અમીન અને ઇરફાને નોટરી લખાણ કરી આપી જમીનના દસ્તાવેજ કરવા અર્થે રૂા. 1,39,41,000 મેળવી લીધા હતા. દસ્તાવેજના સમયે હાજર ન રહી બહાના બતાવી આજ સુધી દસ્તાવેજ ન કરી આપી તેમજ લીધેલાં નાણાં પરત ન આપી વિશ્વાસઘાત-છેતરપિંડી કર્યાની ફરિયાદ વેજીબેન વાલજી ચાડ (પત્રી) અને જોહરાબાઇ ખોજા પરિવારના ત્રણ સભ્ય એમ પાંચ વિરુદ્ધ નોંધાવાઇ છે. નોંધનીય છે કે, પત્રીના યુવાનની હત્યસાના ચકચારી કેસમાં વેજીબેન વિરુદ્ધ ગુનો દાખલ થયેલો છે. આ ઉપરાંત પણ તેની સામે અપહરણ, ખૂનના પ્રયાસ અને એટ્રોસિટીના ગુના નોંધાયેલા છે. 

Panchang

dd