• રવિવાર, 28 જૂન, 2026

ચોમાસામાં ગટર શાખાને સજ્જ રહેવા સૂચના

ભુજ, તા. 27 : શહેરમાં ગટરના પ્રશ્નો તત્કાળ હલ કેમ કરવા અને વધુ ઉત્કૃષ્ટ અને ઝડપી કામગીરી કેવી રીતે પાર પાડવી તે અંગે ભુજ સુધરાઇ ખાતે બેઠક યોજાઇ હતી. નગરપાલિકા કારોબારી ચેરમેન કમલ ગઢવી તેમજ ઉ.પ્ર. બિંદિયાબેન ઠક્કરના અધ્યક્ષસ્થાને અને ડ્રેનેજ શાખા ચેરમેન દિલીપ હડિયાના માર્ગદર્શન હેઠળ અને દંડક રૂપલબેન ચાવડાની ઉપસ્થિતિમાં ગટર શાખાની બેઠક મળી હતી. અંદાજે 72 જેટલા કર્મચારીઓ ધરાવતી શાખાની ટીમ દ્વારા આગામી દિવસોમાં કામગીરી અંગે વિચારોનું આદાન-પ્રદાન કરતી મનોમંથન બેઠક યોજાઇ હતી. બેઠકને સંબોધતાં કમલભાઇએ જણાવ્યું કે, ટૂંક સમયમાં ચોમાસું શરૂ થઇ જવાથી ગટર સંબંધિત ફરિયાદોમાં સ્વાભાવિકપણે ઉછાળો આવશે, એવા સંજોગોમાં યુદ્ધનાં ધોરણે સમસ્યાઓનું નિવારણ કરવું અનિવાર્ય બની રહેશે અને કામગીરીને વધુ અસરકારક બનાવવા માટે મેકેનિક શાખાને ડ્રેનેજ શાખાના તમામ વાહનો સજ્જ રાખવા તેમજ જો વધુ સાધનોની જરૂરિયાત ઊભી થશે તો તેના માટે પણ સમગ્ર ટીમ સંપૂર્ણ કટિબદ્ધ છે. ઉ.પ્ર. બિંદિયાબેને જણાવ્યું કે, ભુજ શહેર ખૂબ ઝડપથી વિકાસ પામી રહ્યું છે ત્યારે ગટર સંબંધિત કોઇ પણ પ્રકારની તકલીફ ન ઉદ્ભવે એ જોવાની સૌની સહિયારી ફરજ છે. કામગીરી પરિપૂર્ણ કરવા માટે અંતરાયરૂપ બનતી તમામ મુશ્કેલીઓનો આપણે સૌ સાથે મળીને નિરાકરણ લાવીશું. ડ્રેનેજ ચેરમેન દિલીપભાઇએ જણાવ્યું કે, આગામી ચોમાસાની ઋતુને ધ્યાને રાખીને વોર્ડવાઇઝ ગટર લાઇન ક્લીનિંગ કરવાનું આયોજન નક્કી કરાયું છે. હાલ ચાલતા લાઇનનાં કામો ચોમાસાની ઋતુ પહેલાં સત્વરે પૂર્ણ કરવા એજન્સીને કડક સૂચના અપાઇ છે. 

Panchang

dd