લંડન, તા. 27 : લંડનના લી વેલી હોકી એન્ડ ટેનિસ
સેન્ટરમાં રમાયેલી એફઆઇએચ પ્રો લીગની એક હાઇ વોલ્ટેજ મેચમાં ભારતીય પુરુષ હોકી ટીમે
ચિર પ્રતિદ્વંદ્વી પાકિસ્તાનને 7-1ના મોટા અંતરથી
હરાવ્યું હતું. મેચની શરૂઆતમાં 0-1થી પાછળ રહ્યા
બાદ કેપ્ટન હરમનપ્રીત સિંહની આગેવાનીમાં ભારતીય ટીમે એવી આક્રમકતા બતાવી હતી કે પાકિસ્તાની
ટીમ વેરવિખેર થઈ હતી. આ પાકિસ્તાન સામે ભારતની સતત 17મી ઐતિહાસિક જીત બની હતી. પાકિસ્તાન સામે જીત સાથે જ ભારત પોઇન્ટ
ટેબલમાં સ્પેનને પછાડીને સાતમા સ્થાને પહોંચી ગયું છે. ભારતના હવે 15 મેચમાં 17 અંક થયા છે. મુકાબલા દરમિયાન
ભારતીય મીડફીલ્ડર્સ અને ફોરવર્ડસે સારી તાલમેલ બતાવી હતી. કુલ 36 વખત વિપક્ષી દાયરામાં પહોંચીને
ભારતે મેચમાં પૂરી રીતે દબદબો રાખ્યો હતો. શાનદાર રમત માટે હાર્દિક સિંહને પ્લેયર ઓફ
ધ મેચ પસંદ કરવામાં આવ્યો હતો.