• રવિવાર, 28 જૂન, 2026

બિદડા : પરિણીતાના આપઘાતના કેસમાં પતિ નિર્દોષ

ભુજ, તા. 27 : માંડવી તાલુકાના બિદડામાં દોઢેક વર્ષ પહેલાં પરિણીતાએ ગળેફાંસો ખાઇ આપઘાતના કેસમાં પતિએ મરવા મજબૂર કર્યાની ફરિયાદ નોંધાઈ હતી, જેમાં આરોપી પતિ દિનેશ હરજી દનિચાને સેશન્સ કોર્ટે નિર્દોષ જાહેર કર્યા છે. આ કેસની ટૂંક વિગતો મુજબ ફરિયાદી રમેશ હિરજી મહેશ્વરીએ તેમની બહેન દમયંતીબેન દિનેશભાઈ દનિચાએ તા. 16/2/2025ના તેના પતિ દિનેશના ત્રાસ લીધે બિદડામાં ગળે ફાંસો ખાઈ આપઘાત કર્યાની  ફરિયાદ કોડાય પોલીસ મથકમાં નોંધાવી હતી. આ કેસ સેશન્સ કોર્ટમાં ચાલી જતાં નવ સાક્ષી તથા 23 દસ્તાવેજી પુરાવા તપાસવામાં આવ્યા હતા. ફરિયાદ પક્ષના પુરાવામાં એવું નીકળી આવ્યું કે, લગ્ન વખતે પતિ-પત્ની અલગ પોતાનાં મકાનમાં રાજીખુશીથી રહેતા હતા. 14 વર્ષનો લગ્નગાળો હતો અને ગુજરનારના સંતાનો મુક્ત મને પિતા (આરોપી) સાથે રહેતા હોવાની હકીકત નીકળી આવી અને 14 વર્ષના લગ્નગાળામાં ગુજરનારને કોઈ તકલીફ હોય તેવું નીકળી આવ્યું નથી, જેથી ગુજરનારને આપઘાત કરવા જેટલો ત્રાસ આરોપીએ આપેલ નથી તેવું માની, વધુમાં તપાસમાં બહાર આવ્યું કે, જ્યારે ગુજરાનારે આપઘાત કર્યો ત્યારે તે જગ્યા અને તે ગામમાં પણ હાલના આરોપી હાજર હતા નહીં, જેથી પ્રત્યક્ષ દુપ્રેરણના પુરાવા નથી તેવું તારણ આપી આરોપી દિનેશ હરજી દનિચાને નિર્દોષ  ઠરાવી છોડી મૂકવા હુકમ કર્યો છે. આ કેસમાં આરોપીઓ તરફે સંતોષાસિંહ આર. રાઠોડ, મહેન્દ્ર ડી. મહેશ્વરી, ચિન્મય એચ. આચાર્ય, જિગરદાન એમ. ગઢવી, રોહિત એમ. મહેશ્વરી, નીલેશ વી. જોશી, ભૂમિ પી. પંડયા વકીલ તરીકે હાજર રહ્યા હતા.  મુંદરાના બનાવટી દસ્તાવેજના કેસમાં આરોપીઓ નિર્દોષ  : આ કેસની હકીકત એવી છે કે, આરોપીઓએ અનુસૂચિત જાતિના સભ્ય બુધાવાલાને અધિકૃત સક્ષમ અધિકારી દ્વારા કાયદેસર રીતે સાંથણીમાં ફાળવવામાં આવેલી જમીન ગેરકાયદેસર રીતે વેચ-સાટ કરવાના ગુનાહિત કાવતરામાં તમામ આરોપીઓએ મિલાપી થઈ ખોટા અને બનાવટી દસ્તાવેજ તૈયાર કરી આ દસ્તાવેજ બનાવટી હોવાનુ જાણવા છતાં પોતાના કબજામાં રાખી આ દસ્તાવેજ સબ રજિસ્ટાર મુંદરાની કચેરીમાં રજૂ કરી તેનો ખરા તરીકે ઉપયોગ કરી આ જમીન વેચી નાખતાં આ જમીન અન્યના નામે એટલે કે, આરોપી ગંગારામ હિરજી પટેલના નામે રેવેન્યૂ રેકર્ડ તબદીલ કરાવી આ જમીનના મૂળ માલિક સ્વ. બુધાવાલાના વારસદારોને કાયદેસરના હક્કો ઉપર તરાપ મારી દખલગીરી કરી તેઓના કાયદેસરના હક્કોથી વંચિત કરી દઈ ગુનો કર્યો હોવાની મુંદરા પોલીસ મથકમાં ફરિયાદીએ આરોપી ગંગારામ હિરજી પટેલ તથા રવિલાલ ગગુભાઈ ઝાલા, મુસ્તાક આમદ હાલા, સિધીક ઓસ્માણ સાંધ, સુરેશપુરી લક્ષ્મણપુરી ગોસ્વામી  વિરુદ્ધ નોંધાવી હતી.  સ્પે. એટ્રોસિટી  કોર્ટમાં કેસ ચાલતાં ફરિયાદ પક્ષ દ્વારા કુલ 16 સાક્ષી અને 19 દસ્તાવેજી આધાર રજૂ કરવામાં આવ્યા અને બંને પક્ષકારની દલીલો સાંભળીને આરોપીને શંકાનો લાભ આપી સેશન્સ જજે નિર્દોષ જાહેર કર્યા હતા. આ કેસમાં આરોપીઓ મુસ્તાક આમદ હાલા તથા રવિલાલ ગગુભાઈ ઝાલા વતી વકીલ એમ.એ. ખોજા, એસ.જી. માંજોઠી, કે.આઈ. સમા, વી.કે. સાંધ, ડી.સી. ઠક્કર, ગૌતમ મહેશ્વરી, અભિજિત બુદ્ધભટ્ટી હાજર રહ્યા હતા.  અંજાર : ખોટા હિસાબોની છેતરપિંડીમાં આગોતરા જામીન મંજૂર : અંજારની જાણીતી ટાટા કંપનીના વર્કશોપ શ્રી ચામુંડા ઓટોમેટીવમાં થયેલા ખોટા હિસાબો આપી બિલો ન બનાવી બંને આરોપી હર્ષકુમાર માથુરદાસ ગોરી તથા દિપાલ સુરેશભાઈ બાંભાણિયા (રહે. બંને આદિપુર) દ્વારા કુલ રૂા. 3,24,852ની છેતરપિંડીની ફરિયાદ તા. 4/6/26ના અંજાર પોલીસ મથકે થઈ હતી. આ અંગે બંને આરોપીએ અંજાર સેશન્સ કોર્ટમાં આગોતરા જામીન મેળવવા અરજી દાખલ કરતાં કોર્ટે જામીન મંજૂર કર્યા છે. આરોપીઓના એડવોકેટ કે.પી. ગઢવી હાજર રહ્યા હતા. 

Panchang

dd