• રવિવાર, 14 જૂન, 2026

વરસામેડીના તળાવમાં સગીર ડૂબ્યો

ગાંધીધામ/ભુજ, તા. 13 : અંજાર તાલુકાનાં વરસામેડીમાં તળાવમાં ડૂબી જતાં કિશોર તોહીમ હાસમ હીંગોરજા  (ઉં.વ.17)નું મોત નિપજ્યું હતું. ભુજ તાલુકાના ભીરંડિયારામાં 23 વર્ષીય યુવાન રજાક વલીમામદ રાયશીએ ગળેફાંસો ખાઇ જીવ દીધો હતો, જ્યારે મુંદરા તાલુકાના મોખા અને વડાલા ગામ વચ્ચે જેટકો કંપનીની સામે આવેલી નર્મદા નહેરની કૂંડીમાં મૂળ ઉત્તરપ્રદેશનો 27 વર્ષીય શ્રમજીવી યુવાન અરુણ અદાલત પાસવાન ડૂબી જતાં તેનું મોત નીપજ્યું હતું. વરસામેડીના બનાવ અંગે પોલીસના સત્તાવાર સાધનો પાસેથી  મળતી વિગતો મુજબ આ બનાવ ગત તા. 12ના બપોરે એક વાગ્યાથી બપોરે 3.20 સુધીના અરસામાં બન્યો હતો. હતભાગી સગીર ભેંસો ચરાવવા ગયો હતો. પરત ન આવતાં શોધખોળ કરાઈ હતી, તેની ચપ્પલ તળાવ પાસે મળી હતી, જેથી શોધખોળ કરતાં મૃત હાલતમા મળી આવ્યો હતો. પોલીસે અકસ્માત મોતનો  ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. ભીરંડિયારાના ભંડારીવાંઢમાં રહેતા રજાકે ગઇકાલે રાત્રે 3 વાગ્યાના અરસામાં કોઇ અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઇ આપઘાત કરી લીધાની વિગતો તેના ભાઇ ચનેશરે ધોરડો પોલીસ મથકે જાહેર કરતાં પોલીસે અકસ્માત મોતનો ગુનો દાખલ કરી તજવીજ હાથ ધરી છે. બીજી તરફ મૂળ ગોપાલગંજ, જનારે, તા. ખેરાવા, જિ. ગોરખપુર, ઉત્તરપ્રદેશ-હાલે વડાલા રહેતા અરુન ગત તા. 9-6થી 11-6 દરમ્યાન જેટકો કંપનીની સામે નર્મદા કેનાલની કૂંડીમાં કોઇ પણ કારણસર પડી જતાં માથાના ભાગે ગંભીર ઇજા થતાં તેનું મોત નીપજ્યું હોવાની વિગતો તેના ભાઇ પ્રેમચંદે મુંદરા મરીન પોલીસ મથકે જાહેર કરતાં પોલીસે અકસ્માત મોતનો ગુનો દાખલ કર્યો હતો. દરમ્યાન આ બનાવની જાણ થતાં પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી. પી.આઇ. ડી.એમ. ઝાલાના માર્ગદર્શન હેઠળ સ્ટાફના ભાવિકસિંહ જાડેજા અને મુંદરા જનસેવા સંસ્થાના રાજ સંઘવીએ હતભાગીના પરિવારજનોની ઉપસ્થિતિમાં અંતિમક્રિયા માટે વ્યવસ્થા ગોઠવી હતી. સામાજિક અગ્રણી જયેશ ગોર સહયોગી બન્યા હતા. 

Panchang

dd