• શનિવાર, 13 જૂન, 2026

રાપર : હીટ સ્ટ્રોકથી યુવાનનાં મોતને પગલે ચકચાર

ગાંધીધામ, તા. 12 : ગરમી અને બફારામાં લોકો શેકાઇ રહ્યા છે તેવામાં રાપરમાં ઉત્તરપ્રદેશથી નોકરીની શોધમાં આવેલા ત્રિવેણકુમાર ડાક્ટર રામતે પ્રેમી (ઉ.વ. 40)નું હીટ સ્ટ્રોકથી મોત થતાં ભારે ચકચાર પ્રસરી હતી. બીજીબાજુ અંતરજાળના પ્રેમજી ધનજી બારોટ (ઉ.વ. 47) ઘરેથી નીકળી ગયા બાદ શિણાયના તળાવમાં તેમની લાશ મળી આવી હતી તેમજ ગાંધીધામ નજીક મચ્છુનગર કન્ટેનર યાર્ડ પાસે બાઇક ડિવાઇડરમાં ભટકાતાં મોહન સુરા રબારી (ઉ.વ. 26) નામના યુવાનનું મોત થયું હતું. છેલ્લા કેટલાક સમયથી ગરમી, બફારા અને સૂર્યપ્રકાશથી લોકો શેકાઇ રહ્યા છે. આવી કાળઝાળ ગરમીમાં લોકો બપોરના સમયે બહાર નીકળવાનું પણ ટાળે છે, ત્યારે કચ્છમાં હીટ સ્ટ્રોકથી મોતનો પહેલો બનાવ સામે આવતાં ભારે ચકચાર પ્રસરી છે. ઉત્તરપ્રદેશના સેનપુરમાં રહેનાર શ્રમિક ત્રિવેણકુમાર એક દિવસ પહેલાં પોતાના મિત્રો સાથે નોકરીની શોધમાં રાપર આવી પહોંચ્યો હતો, જ્યાં સવારથી બપોર સુધી તેણે પાણી પીધા વગર તડકામાં નોકરીની શોધ ચાલુ રાખી હતી. દરમ્યાન નંદાસર કેનાલ પાસે બપોરના સમયે પહોંચતાં સૂર્યપ્રકાશના તેજના કારણે તે બેભાન થઇ ગયો હતો. તેને 108 એમ્બ્યુલન્સ થકી સારવાર અર્થે લઇ જવાતાં ફરજ પરના તબીબે તેને તપાસીને મૃત જાહેર કર્યો હતો. પોલીસે જણાવ્યું હતું કે, તેણે ઓછું પાણી પીધું હતું તથા સૂર્યપ્રકાશના તેજથી હીટ સ્ટ્રોકથી તેનું મોત થયું હોવાનું બહાર આવ્યું છે. બીજીબાજુ અંતરજાળના રાજનગરમાં રહેનાર પ્રેમજીભાઇ બારોટ ગત તા. 10/6ના સાંજે પોતાના ઘરેથી નીકળી ગયા હતા. તેમની શોધખોળ કરતાં ક્યાંય મળ્યા નહોતા. દરમ્યાન શિણાયમાં ભેડિયા તળાવમાંથી તેમની લાશ મળી આવી હતી. તે અહીં શું કરવા ગયા હતા અને તળાવમાં કેવી રીતે ડૂબ્યા હશે તે સહિતની આગળની તપાસ પોલીસે હાથ ધરી છે. વધુ એક જીવલેણ બનાવ ગાંધીધામ મચ્છુનગર નજીક બન્યો હતો. અહીં ફર્સ્ટ મૂવર્સ લોજિસ્ટિકમાં કામ કરનાર મોહન રબારી નામનો યુવાન બાઇક નંબર જીજે-39-ડી-7282વાળું લઇને કંપનીના કામથી કંડલા ગયો હતો અને ત્યાંથી પરત આવી રહ્યો હતો. દરમ્યાન કન્ટેનર યાર્ડ પાસે વળાંક પર તેનું બાઇક ડિવાઇડરમાં ભટકાતાં તેને ગંભીર ઇજાઓ પહોંચી હતી. તેને સારવાર અર્થે આદિપુરની હોસ્પિટલમાં લઇ જવાયો હતો, જ્યાં સારવાર દરમ્યાન તેણે છેલ્લા શ્વાસ લીધા હતા. બનાવ અંગે તેના ભાઇ કિરણ સુરાભાઇ રબારીએ ફરિયાદ નોંધાવી હતી. 

Panchang

dd