વોશિંગ્ટન, તા. 12 : મધ્ય-પૂર્વમાં ભારતીય જહાજો
પર એક પછી એક હુમલાને લીધે ભારતમાં ફેલાયેલી નારાજી વચ્ચે અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ
ટ્રમ્પે શુક્રવારે દાવો કર્યો હતો કે, ગઈકાલે ગુરુવારની રાત્રે હોર્મુઝ સ્ટ્રેટ પરથી નીકળી રહેલાં ભારતીય જહાજો પર
ડ્રોન હુમલો ઈરાને કર્યો હતો, પરંતુ અમેરિકાની સેનાએ તેને નિષ્ફળ
બનાવી દીધો હતો. ઉલ્લેખનીય છે કે, ભારતને સંલગ્ન ત્રણ જહાજ પર
હુમલા અને ત્રણ ભારતીયનાં મોત બાદ ભારતે બે વાર અમેરિકી રાજદૂતને બોલાવીને નારાજી દર્શાવી
હતી અને આ હુમલા અસ્વીકાર્ય ગણાવ્યા હતા, ત્યારે હવે ટ્રમ્પે
ઈરાન પર ઠીકરું ફોડયું છે. જો કે, અમેરિકી સેન્ટ્રલ કમાન્ડ જહાજ
પર હુમલાની વાત સ્વીકારી ચૂક્યું છે. ટ્રમ્પે કહ્યું હતું કે, ઈરાને પોતાની આવી હરકતો બંધ કરવી જોઈએ. તેમણે સમજૂતીની શરતો લીક કરવા બદલ પણ
ઈરાનની ટીકા કરી હતી. અમેરિકાના રાષ્ટ્રપતિએ જણાવ્યું હતું કે, ઈરાને મીડિયામાં ખોટી જાણકારી આપી છે અને સમજૂતી તેની શરતો પર થઈ છે તેવું
બતાવવાની કોશિશ કરી છે, પરંતુ હકીકત કઈંક અલગ છે. ટ્રમ્પે ટ્રુથ
સોશિયલ પર પોસ્ટ કરીને લખ્યું હતું કે, `ગઈકાલે રાત્રે, ઈરાને હોર્મુઝ સ્ટ્રેટમાંથી પસાર થતાં ભારતીય જહાજો પર ડ્રોન હુમલો કર્યો જેને
અમેરિકાએ સંપૂર્ણપણે નિષ્ફળ બનાવ્યો. આ કોઈ પણ કિંમતે સહન કરી શકાય નહીં.'