• શનિવાર, 13 જૂન, 2026

ટોપણસર તળાવની મુખ્ય આવમાં ગટર-કચરાનું સામ્રાજ્ય

કાઠડા (તા. માંડવી), તા.12 : 2024ની સાલમાં માંડવી વિસ્તારમાં વધુ વરસાદના લીધે ટોપણસર તળાવનું વરસાદી પાણી નીચાણવાળા વિસ્તાર માધવનગર, નિત્યાનંદનગર, બાબાવાડી, જયનગર, વિજયનગર, મેઘમંગલનગર, પોલીસ ક્વાર્ટર્સ, સત્સંગ આશ્રમ સહિતમાં પ્રવેશતાં જળભરાવ થઇ ગયો હતો. આ પાણીના નિકાલ માટે અનેક ટીમ કાર્યરત હતી. મહામહેનતે આ સમસ્યા હલ થઇ, સરકાર દ્વારા આ પાણીનો કાયમી નિકાલ કરવા કરોડોની રકમની ગ્રાંટ ફાળવણી કરાઇ, કેનાલ, પમ્પિંગ સ્ટેશન બનાવાયા, માધવનગર, વલ્લભનગર પાસે વરસાદી પાણીના નિકાલ માટે ભૂગર્ભ ટાંકા બનાવી તેમાં મોટર લગાવાઇ, કેનાલ સાફ કરવા ટેન્ડર પ્રક્રિયા હાથ ધરાઇ છતાં 2025નાં વર્ષમાં ટોપણસર તળાવનાં મુખ્ય પાણીની આવકનું  ધર જે રાયણ પાટિયા નજીક આવેલ છે તે બંધ કરી દેવાતાં આ તળાવ સુધી વરસાદી પાણી પહોંચ્યું જ નહોતું અને ટોપણસર તળાવ તાજાં વરસાદી પાણી વિના તરસ્યું રહ્યું હતું. નગરજનો દ્વારા આક્ષેપો થવા લાગ્યા ત્યારે ચાલુ વર્ષ જો વરસાદ થશે તો આ તળાવમાં પાણી આવશે કે કેમ અને આખા માંડવીની શોભા વધારતું તળાવ ભરાઇ અને પાણી હિલોળા ખાતું જોવા મળશે કે કેમ તેવા સવાલ નગરજનોમાં ઊઠી રહ્યા છે. હાલમાં કચ્છમિત્રની ટીમે પાણીની મુખ્ય આવની કેનાલ પર નજર કરતાં અનેક સ્થળે આ કેનાલમાં કચરાના ગંજ પડયા છે. બાવળની ઝાડીઓ વધી ગઇ છે, તો અનેક સ્થળે ગટરનું ગંદું પાણી આ પાણીની આવકની કેનાલમાં છોડી દેવાતાં ગંદકીથી ભરાયેલ કેનાલ દુર્ગંધ સાથે અતિખરાબ સ્થિતિમાં જોવા મળી રહી છે. જો વરસાદ જલ્દી થશે તો આ તમામ ગંદકી સાથેનું પાણી ટોપણસર તળાવમાં જશે. માંડવી નગર સેવા સદનના હેડક્લાર્ક મનજીભાઇ પરમારનો સંપર્ક કરતાં તેમણે જણાવ્યું હતું કે, પ્રિ-મોન્સૂન કામગીરી હાથ ધરી દેવાઇ છે અને ટોપણસર તળાવના આવકની મુખ્ય કેનાલ સાફ કરી દેવા સાધનો લગાવાયા છે અને આ વર્ષે ટોપણસર તળાવમાં વરસાદી પાણી આવે તે માટે ટૂંક સમયમાં કામ શરૂ કરી દેવાશે. એવી પણ વ્યવસ્થા કરાઇ છે કે, જો પાણી વધવા લાગશે તો તે ધર બંધ કરી દેવાશે, જેથી નીચાણવાળા વિસ્તારોમાં પાણીની સમસ્યા પણ ન ઉદ્ભવે. 

Panchang

dd