અંજાર, તા. 12 : વરસાણા-ભુજ નેશનલ હાઈવેના નિર્માણમાં અંજાર તાલુકાના સતાપર રોડના ઓવરબ્રિજમાં રસ્તા ઉપર
વરસાદી પાણીના નિકાલ અને ડ્રેનેજ લાઈનની કામગીરી નબળી કરાઈ
હોવાની રજૂઆત કોંગ્રેસ દ્વારા કરવામાં આવી છે.નેશનલ હાઈવેના પ્રોજેક્ટ મેનેજરને
પાઠવેલા પત્રમાં જિલ્લા કોંગ્રેસ પ્રમુખ વી.કે. હુંબલ અને મંત્રી દિનેશ માતાએ જણાવ્યું
હતું કે, નબળી કામગીરીના કારણે ડ્રેનેજ લાઈન તૂટી ગઈ
છે. તેના કારણે અવારનવાર અકસ્માતો સર્જાય છે.
તંત્રની બેદરકારીએ બે માનવ જિંદગીનો ભોગ લીધો હોવાનું પત્રમાં જણાવાયું છે.
આ અંગે નેશનલ હાઈવેના અધિકારીઓ, રાજ્યમંત્રી, સાંસદ
અને જિલ્લા ભાજપ પ્રમુખને પણ જાણ કરાઈ
છે, તેમ છતાં ડ્રેનેજ લાઈનનું સમારકામ કરાયું નથી. જો હવે કોઈ
અકસ્માત થયો તો તેની જવાબદારી કોન્ટ્રાક્ટરની રહેશે તેમજ સાત દિવસમાં યોગ્ય પગલાં નહીં
લેવાય તો ધરણા અને આંદોલન કાર્યક્રમ અપાશે
તેવી ચીમકી આપવામાં આવી છે.