ગાંધીધામ, તા. 11 : અંજારનાં યાદવનગરમાં બે પક્ષ
વચ્ચે મારામારી થતાં બંને પક્ષના છ લોકોને ઇજાઓ પહોંચી હતી. પોલીસે બંને પક્ષની ફરિયાદ
નોંધી તપાસ હાથ ધરી છે. અંજારનાં યાદવનગરમાં રહી મોબાઇલની દુકાન ચલાવતા ફરિયાદી અશરફ
ઇસ્માઇલ હિંગોરજા ગઇકાલે રાત્રે પોતાના મિત્ર સમીરનાં ઘરે તેના લેવા ઊભો હતો, ત્યારે અહીં ઊભા રહેવા મુદ્દે ફરહાન મામદ લોઢિયાએ
તેની સાથે ઝઘડો કર્યો હતો. બાદમાં ફરિયાદી પોતાના ભાઇ ઇમરાન સાથે અહીં સમાધાન કરવા
આવતાં ઉશ્કેરાયેલા ફરહાન, સોકત લોઢિયા, અઝરૂદ્દીન લોઢિયા, મામદ લોઢિયા, હુસેન ફરહાન લોઢિયા, ઇકબાલ લોઢિયા, મદિના લોઢિયાએ મળીને ધોકા, પથ્થરો વડે હુમલો કર્યો હતો,
જેમાં ફરિયાદીને અસ્થિભંગ સહિતની ઇજાઓ પહોંચી હતી. સામા પક્ષે ફરહાન
મામદ લોઢિયાએ ઇમામશા મામદશા શેખ, મહેબૂબ હિંગોરજા, કાસમની બહેન, સલમાન હિંગોરજા, ફૈઝલ
કુરેશી, તેનો ભાઇ કારિયો, અનવર હિંગોરજાની
પત્ની સામે ફરિયાદ નોંધાવી હતી. આરોપીઓએ ધોકા, પથ્થર,
ભાલા જેવાં હથિયારથી હુમલો કરતાં ફરિયાદી તથા અઝરૂદીન અને રેહાનને ઇજાઓ
પહોંચી હતી. ઘવાયેલાઓને સારવાર માટે લઇ જવાયા હતા. મારામારીના આ બનાવ અંગે પોલીસે બંને
પક્ષની ફરિયાદ નોંધી આગળની તપાસ હાથ ધરી છે.