• શુક્રવાર, 12 જૂન, 2026

ગાંધીધામ : 43.93 કરોડનાં બેંક ખાતાં પ્રકરણમાં પકડાયેલા શખ્સો રિમાન્ડ તળે

ગાંધીધામ, તા. 11 : શહેરમાં 105 બેંક ખાતાં ખોલાવી તેમાં રૂા. 43.93 કરોડથી વધારે ઠગાઈની રકમ જમા કરાવી કૌભાંડ આચરનાર અને ઝડપાયેલા ચાર શખ્સોના એક દિવસના રિમાન્ડ મંજૂર થયા હતા. હાથમાં ન આવેલા શખ્સોના ઘરે પોલીસે તપાસ હાથ ધરી હતી. અગાઉ પણ રૂા. 200 કરોડ ઉપરાંતના ઠગાઈના પૈસા જમા કરાવવાના પ્રકરણનો મુખ્ય સૂત્રધાર વિદેશ નાસી ગયો હોવાનું બહાર આવ્યું હતું. અહીં રહેતા ગરીબ અને ઓછું ભણેલા લોકોને લાલચ આપી તેમનાં નામે બેંક ખાતાં ખોલાવી બેંકની સમગ્ર કિટ હડપ કરી લેવાની હતી અને બાદમાં આ ખાતાઓની ઓનલાઈન છેતરપિંડી માટે ઉપયોગ કરાતો હતો. આવા 105 ખાતા ખોલાવી તેમાં રૂા. 43,93,80,115ની ઠગાઈની રકમ જમા કરાવાઈ હતી. આ કૌભાંડ આચરનારા પૈકી દિવ્યરાજસિંહ અનિરુદ્ધસિંહ રાણા, જયનીત ભરત કન્નર, ચિરાગસિંહ બલવંતસિંહ ઝાલા, શબ્બીર અકબર લુહાર નામના શખ્સોને પોલીસે ઝડપી પાડયા હતા. આ શખ્સોને કોર્ટમાં રજૂ કરાતાં તેમના એક દિવસના રિમાન્ડ મંજૂર કરાયા હતા. વીડીના  ફાર્મ હાઉસથી કૌભાંડ આચરનારા કિંગ ડેવિડ ઉર્ફે કનૈયાલાલ ઠક્કર, દીપક ઠક્કર તથ રાજભા ગાંડુજી વાઘેલા અને જયરાજસિંહ જિતેન્દ્રસિંહ રાણા હજુ હાથમાં આવ્યા નથી. તેમના ઘરે પણ પોલીસે તપાસ હાથ ધરી હતી. મુખ્ય સૂત્રધારોને ગંધ આવી જતાં ફાર્મ હાઉસના સેન્ટરને બંધ કરી નાસી છુટયા હતા. અહીંથી ઓનલાઈન ગેમિંગ, ક્રિકેટ સટ્ટા અને ઠગાઈ માટે ખાતાં કર્ણાટક, મેંગ્લોર અને શ્રીલંકા મોકલવામાં આવ્યા હતા. આ ફાર્મ હાઉસમાં કોલ સેન્ટર જેવું સામ્રાજ્ય ઊભું કરાયું હોવાનું બહાર આવ્યું હતું. આ અગાઉ  પૂર્વ  કચ્છ સાયબર ક્રાઈમ પોલીસે આનાથી ચડિયાતા કાંડનો પર્દાફાશ કર્યો હતો. જેમાં શરૂઆતમાં 81 ખાતાંમાં ઠગાઈના 182.37 કરોડ જમા કરાયા હોવાનું બહાર આવ્યું હતું અને પાછળથી આ બેંક ખાતા 100 ઉપરાંત તથા ઠગાઈની રકમ 200 કરોડ ઉપરાંતની હોવાનું સામે આવ્યું હતું. આ કાંડના યશ ભાટિયા, સિદ્ધાર્થ સોની, સાહિલ શર્મા, અલ્પેશ લુહાર વગેરેને પોલીસે ઝડપી પાડયા હતા. પરંતુ મુખ્ય સૂત્રધાર વિજયસિંહ રાણા નામનો શખ્સ દુબઈ નાસી ગયો હોવાનું બહાર આવ્યું હતું. બંને કૌભાંડના મુખ્ય સૂત્રધારો હાથમાં આવે બાદમાં કોને કોને બેંક કિટો આપતા હતા તે બહાર આવે તેમ હોવાનું જાણવા મળ્યું હતું. 

Panchang

dd