ભુજ, તા.11 : માધાપરનાં ગાયત્રી મંદિર પાસે
આજે સવારે બાઈકથી જતા ફુઆ અને ભત્રીજાને અકસ્માત નડતાં ભુજના 15 વર્ષીય ભત્રીજા એવા આદર્શ અશોક
રાવલ પર ટ્રકનાં પૈડાં ફરી વળતાં કમકમાટીભર્યું મોત થતાં અરેરાટી વ્યાપી હતી. આ કરુણ
અકસ્માત અંગે હોસ્પિટલની ચોકીમાં જાહેર કરાયેલી અને પોલીસ સૂત્રો પાસેથી પ્રાપ્ત વિગતો
મુજબ રઘુરામભાઈ તેના કબજાની બાઈક નં. જીજે-12-એઆર-3429 લઈને તેની
પાછળ તેના ભત્રીજા ભુજના મુંદરા રોડ પર સર્જન-બે સોસાયટીમાં રહેતા આદર્શ રાવલને બેસાડી
આજે સવારે માધાપરનાં ગાયત્રી મંદિરથી આગળ ટ્રોલીમોલ પાસેના માર્ગ પરથી પસાર થઈ રહ્યા
હતા, ત્યારે યમદૂત સમી ટ્રકે ટક્કર મારતાં પાછળ બેઠેલો
આદર્શ ટ્રકનાં પૈડાંમાં આવી જતાં તેનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું.
ઘાયલ ફુઆ એવા રઘુરામભાઈને સારવાર અર્થે ખાનગી હોસ્પિટલમાં ખસેડાયાની વિગતો મળી છે.
ધોળા દિવસે બનેલા આ કરુણ અકસ્માતનાં પગલે રાહદારીઓ એકત્ર થઈ ગયા હતા અને એમ્બ્યુલન્સ
તથા પોલીસને જાણ કરી હતી. 15 વર્ષના તરુણ વયના આદર્શનાં મોતથી પરિવાર પર આભ તૂટી પડતાં કરુણાંતિકા
સર્જાઈ હતી. બીજી તરફ માધાપરના આ માર્ગ પર ખાણી-પીણીની રેકડી-કેબિન સ્વરૂપેનાં દબાણ
અને આસપાસ થતાં પાર્ક વાહનોને લઈ આ માર્ગ સાંકડો બની જાય છે, જેથી છાશવારે નાના-મોટા અકસ્માતો થતા રહે છે.
આજના આ કરુણ બનાવને લઈ પોલીસ તંત્ર ખાસ ઝુંબેશ આદરી માર્ગને મોકળો કરવા દબાણ હટાવ અને
આડેધડ પાર્કિંગ પર કાર્યવાહી કરે તેવું પંચાયતના પૂર્વ સદસ્ય રૂપમ વરૂએ અલગથી યાદીમાં
જણાવ્યું છે.