ભુજ, તા. 1 : મિરજાપર ત્રણ રસ્તા પાસેથી
ગઇકાલે રાતે એસઓજીએ માદક પદાર્થ ગાંજાના 955 ગ્રામના જથ્થા સાથે નખત્રાણા અને મૂળ વિથોણ હાલ મોટા યક્ષના
શખ્સને ઝડપી લીધા હતા. આ ગાંજો ગાંધીધામ કાર્ગો ઝૂંપડપટ્ટીમાંના શખ્સ પાસેથી લાવ્યાની
કેફિયત આપી હતી. કચ્છના યુવાનોમાં
માદક પદાર્થના સેવનની બદી વકરી છે ત્યારે આ બદીને નાબૂદ કરવા ઉચ્ચ પોલીસ અધિકારીઓની
સૂચનાના પગલે એસઓજીના પીઆઇ એ.ડી. પરમાર તથા પીએસઆઇ પી.સી. શિંગરખિયાએ અલગ-અલગ ટીમ બનાવી
સૂચના અને માર્ગદર્શન અન્વયે સ્ટાફના અધિકારીઓ-કર્મચારીઓ પ્રયત્નશીલ હતા. દરમ્યાન ગઇકાલે
એસઓજીની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે એ.એસ.આઇ. માણેકભાઇ ગઢવી તથા કોન્સ. વનવરાજસિંહ
જાડેજાને સંયુક્ત બાતમી મળતાં મિરજાપર પોલીસ ચોકી પાસેના ત્રણ રસ્તા નજીક નખત્રાણા
બાજુ જતા રસ્તે જય માતાજી પાન સેન્ટરની બંધ કેબિનની બાજુમાંથી આરોપી મહંમદ ઉમર શેખ
(રહે. મેઇન બજાર-નખત્રાણા) અને મીતકુમાર હસમુખગિરિ ગુંસાઇ (રહે. મૂળ વિથોણ હાલે મોટા
યક્ષ)ને માદક પદાર્થ ગાંજો જેનું વજન 955 ગ્રામ-કિં.રૂા. 47,750ના મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતા. આ ગાંજો આરોપીઓ ગાંધીધામના
કાર્ગો ઝૂંપડપટ્ટીમાં રહેતા છોટુભૈયા પાસેથી વેચાણ અર્થે લાવ્યાની કેફિયત આપી હતી.
આરોપીઓ વિરુદ્ધ એ-ડિવિઝન પોલીસ મથકે એનડીપીએસ એક્ટ તળે ગુનો દાખલ કરાવી કાર્યવાહી કરવામાં
આવી હતી.