• ગુરુવાર, 02 એપ્રિલ, 2026

ઈરાનનો બહેરીનમાં એમેઝોન સેન્ટર પર હુમલો

નવી દિલ્હી, તા. 1 : અખાતમાં યુદ્ધનાં પ્રચંડ ધડાકાઓ થંભી રહ્યાં નથી અને રોજ નવી નિવેદનબાજીથી વિશ્વમાં આર્થિક અનિશ્ચિતતા વધારતા અવનવા વળાંકો આવતા રહે છે. બુધવારે ઈરાને બહેરીનમાં એમેઝોનના ડેટા સેન્ટર પર હુમલો કર્યો હતો. જો કે, આ બાબતે સત્તાવાર રીતે ખુલાસો થયો નહતો. એકબાજુ અમેરિકાનાં રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ઈરાન યુદ્ધમાં સથવારો નહીં મળતા પશ્ચિમી દેશો ઉપર ગિન્નાયેલા છે. ત્યાં બીજી તરફ સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ ઈરાનની ઈસ્લામિક રેવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સએ દેશની સત્તા પર નિયંત્રણ હાંસિલ કરી લીધું છે. યુદ્ધ દરમિયાન વધેલા તણાવ વચ્ચે રાષ્ટ્રપતિ પેજેશ્કિયને એક નવા ગુપ્તમંત્રીની નિયુક્તિની કોશિશ કરતાં આઈઆરજીસીના મુખ્ય કમાન્ડર અહમદ વાહિદીએ તેમને રોકી દીધા હતા. તે ઉપરાંત દળના અધિકારીઓની એક સૈન્ય પરિષદ હવે દૈનિક નિર્ણયો લઈ રહી છે. દરમિયાન ઈરાને બહેરીનમાં એમેઝોન ડેટા સેન્ટરને નિશાન બનાવી હુમલો કર્યો હોવાના પણ અહેવાલ સામે આવ્યા હતા. સામા છેડે ઈરાન મચક આપી રહ્યું નથી. અમેરિકા સાથે વાટાઘાટ ઉપર જરાય વિશ્વાસ ન હોવાનું દોહરાવી રહ્યું છે. તો બીજીબાજુ સ્ટ્રેટ ઓફ હોર્મુઝમાંથી માલવહન માટે ટોલ વસૂલાતની દરખાસ્ત હવે ઈરાનનાં સંસદીય આયોગે પણ મંજૂર કરી દીધી છે. આમ, તે હોર્મુઝમાં ટોલ ઉઘરાવવાની દિશામાં વધુ એક ડગલું આગળ વધી ગયું છે. તો ઈઝરાયલે હવે લેબનોનનાં મોટા વિસ્તાર ઉપર કબજાની તૈયારી શરૂ કરી દીધી છે. કતારનાં સંરક્ષણ મંત્રાલયે આજે પોતાનાં જળક્ષેત્રમાં ઈરાને ઓઈલ ટેન્કર ઉપર મિસાઈલ દાગી હોવાનું જણાવ્યું હતું. કુવૈતનાં કહેવા અનુસાર તેનાં આંતરરાષ્ટ્રીય એરપોર્ટ ઉપર ઈરાનનાં હુમલાનાં કારણે ઈંધણની ટાંકીમાં ભીષણ આગ ફાટી નીકળી હતી.  બીજીબાજુ ઈઝરાયલે ઈરાન સામે યુદ્ધ વચ્ચે પોતાનાં પાડોશમાં એક ખતરનાક યોજના ઉપર કામ કરવાની શરૂઆત કરી દીધી છે. ઈઝરાયલનું કહેવું છે કે, તે દક્ષિણ લેબનોનનાં મોટા હિસ્સા ઉપર કબજો કરી લેશે અને ત્યાંથી પલાયન કરી ચૂકેલા 6 લાખ લોકોને પરત પ્રવેશ આપવાનું નથી. ઈઝરાયલનાં સંરક્ષણ મંત્રી કાત્ઝનાં કહેવા અનુસાર તેમની સેના લેબનોનનાં આ વિસ્તારમાં સુરક્ષા ઝોન બનાવશે અને ત્યાંથી તે હિઝબુલ્લા ઉપર પકડ મજબૂત બનાવશે અને આખા લેબનોન ઉપર નજર રાખશે. 

Panchang

dd