ભુજ, તા. 1 : અબડાસા તાલુકાનાં ભવાનીપર પાસે
ગઈકાલે બપોરે ગામના 65 વર્ષીય વૃદ્ધ
પરસોત્તમ સામજી ભુનશાલી બાઈકથી જતા હતા, ત્યારે કારે ટક્કર મારતાં તેમનું ગંભીર ઈજાનાં પગલે મૃત્યુ નીપજ્યું હતું.
જ્યારે મૂળ ઝારખંડના 50 વર્ષીય આધેડ
સંજયભાઇ નાગેશ્વરભારતી પગે જતા હતા, ત્યારે લાકડિયા પુલ પાસે અજાણ્યા વાહને અડફેટે લેતાં તેમનું ગંભીર ઇજાનાં પગલે
મૃત્યુ થયું હતું. આ ઉપરાંત લખપત તાલુકાનાં ખડક ગામની નદીમાં માનસિક રીતે અસ્વસ્થ ગામનો
22 વર્ષીય યુવાન હાજીડા રહીમ જત
પડી જતાં તેનું મોત થયું હતું. ગઈકાલે ભવાનીપરના પરસોત્તમભાઈ ભાનુશાલી તેની બાઈક નં.
જીજે-12-સીએ-6233વાળી લઈને વાડીથી ગામ તરફ આવી
રહ્યા હતા, ત્યારે બપોરે 12.30 વાગ્યા આસપાસ ભવાનીપર પાસે
જ અર્ટીગા કાર નં. જીજે-10-સીએન-પ963વાળીએ બાઈકને ટક્કર મારતાં
પરસોત્તમભાઈ ગંભીર રીતે ઘાયલ થયા હતા. આથી તેમને સારવાર અર્થે ભુજની જી.કે. જનરલ હોસ્પિટલમાં
ખસેડાયા હતા, પરંતુ સારવાર નસીબ થાય
તે પહેલાં તેમનું મૃત્યુ થતાં ફરજ પરના તબીબે તેમને મૃત જાહેર કર્યાની વિગતો હોસ્પિટલની
પોલીસ ચોકીમાં તેમના ભાઈ મુરજીભાઈએ જાહેર કરી હતી. બીજી તરફ આજે સામખિયાળી પોલીસ મથકે
પુત્ર રંજનકુમારે જાહેર કરેલી વિગતો મુજબ ગત તા. 30-3ના સાંજે તેમના પિતા સંજયભાઇ
લાકડિયા કામધેનુ પ્લાય કંપનીથી સામખિયાળી ચંપલ લેવા જાઉં છું કહીને પગે નીકળી ગયા હતા.
દરમ્યાન તા. 31-3ના અડધી રાત્રે લાકડિયા પુલ
ઊતરતી વેળાએ અજાણ્યા વાહને તેને અડફેટે લેતાં તેમનું ગંભીર ઇજાનાં પગલે મૃત્યુ થયું
હતું. સામખિયાળી પોલીસે અજાણ્યા વાહનચાલક વિરુદ્ધ ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે. લખપત
તાલુકાના ખડક ગામનો યુવાન હાજીડા જત માનસિક રીતે અસ્વસ્થ હતો ગત તા. 30/3ના સાંજે ગામની દક્ષિણ બાજુ
આવેલી નદીમાં આ યુવાન પડી જતા તેનું પાણીમાં ડૂબી જવાથી મૃત્યુ થયાની વિગતો તેના ભાઈએ
જાહેર કરતા નારાયણ સરોવર પોલીસે અકસ્માત મોતનો ગુનો દાખલ કરી કાર્યવાહી આદરી હતી.