ગાંધીધામ, તા. 24 : શહેરના ભારતનગર વિસ્તારના એક
યુવાનને શેરબજારમાં રોકાણ કરવાની લાલચ આપી રૂા. 2,47,053ની ઠગાઇ કરતા મહિલા સામે ગુનો નોંધાયો હતો તેમજ આ જ વિસ્તારના
આધેડને એક સ્કીમ આવી હોવાનું કહીને રૂા. 99,999 પડાવી લેવાયા હતા. શહેરના ભારતનગર શક્તિ વિજય સોસાયટીમાં રહેનાર
ફરિયાદી ભાવેશ હરજીવન માખિજાની ક્વીક ક્વીક નામની એપ્લીકેશન ઉપર જ્યોતિ અગ્રવાલ નામની
યુવતી સાથે ઓળખાણ થઇ હતી. બંને એકબીજાને બે મહિના સુધી મેસેજ કર્યા બાદ યુવતીએ શેરમાર્કેટમાં
રોકાણ કરવાનું કહી ડયુપઇન માર્કેટસ નામની વેબસાઇટ મોકલાવી હતી જેમાં આ યુવતીના કહ્યા
મુજબ ફરિયાદીએ જુદી જુદી તારીખે તેમાં કુલ રૂા. 4,90,000 જમા કરાવી દીધા હતા, બાદ તે પોતાના પૈસા પરત કાઢવા જતાં તે નીકળ્યા નહોતા. પોતાની સાથે ઠગાઇ થયાનું
જણાતાં તેણે યુવતીને વાત કરતાં યુવતીએ તેને બ્લોક કરી નાખ્યો હતો. બાદમાં વેબસાઇટ પણ
બ્લોક થઇ ગઇ હતી. યુવાને ઓનલાઇન ફરિયાદ કરતા રૂા. 2,42,946 હોલ્ડ થયા હતા જ્યારે રૂા.
2,47,053 પરત ન મળતાં તેણે પોલીસ મથકે
ગુનો દર્જ કરાવ્યો હતો. બીજીબાજુ ભારતનગરની જય અંબે સોસાયટીમાં રહેતા સંતોષકુમાર અશોકકુમાર
સિંઘએ ફરિયાદ નોંધાવી હતી. તેમના મોબાઇલમાં પેય ઝેપ એપ્લીકેશન હતી જેમાં લિંક કે મેસેજ
આવતા રહેતા હતા. દરમ્યાન, આ એપમાં એક
અને બે રૂપિયા જમા થયા બાદમાં અન્ય રૂપિયા તેમના બેંક ખાતામાંથી આ એપ્લીકેશનમાં જમા
થયાના મેસેજ આવ્યા હતા. દરમ્યાન, રોહન ચૌધરી નામના શખ્સે ફોન
કરી પેય ઝેપમાં સારી સ્કીમ હોવાનું કહ્યું હતું અને ફરિયાદીની તમામ વિગતો મેળવી લીધી
હતી. બીજા દિવસે ફરિયાદી બેંકમાં જતાં તેમની આ એપ્લીકેશનમાંથી રૂા. 99,999 ઉપાડી લેવાયા હોવાનું બહાર
આવ્યું હતું.