• બુધવાર, 25 ફેબ્રુઆરી, 2026

બાલાસર પાસે માદક પદાર્થ ભરેલી ગાડી હડફેટે આશાસ્પદ યુવાનનું મોત

ગાંધીધામ, તા. 24 :   વાગડમાં વ્યાપક વિસ્તારમાં માદક પદાર્થની ખેતીનો પર્દાફાશ થયો છે અને તે અંગેની કાર્યવાહી  હજુ લાંબી ચાલે તેમ છે, ત્યારે  પ્રાંથળમાં જ  માદક  પદાર્થ ભરેલી  ગાડી હડફેટે જાટાવાડાના 23  વર્ષીય યુવાન અનિલ પ્રેમજી ભટ્ટીનું મોત નીપજ્યું હતું. આ  બનાવના પગલે લોકોમાં ભારે આક્રોશ ભભૂકી ઊઠયો હતો. આ અંગે મળતી વિગતો  મુજબ અકસ્માતનો આ બનાવ બાલસર ત્રણ રસ્તા પાસે સાંજના અરસામાં બન્યો હતો. એક ગાડીમાં માદક પદાર્થ ભરેલો હતો, જ્યારે બીજી ગાડી તેને પાઈલોટિંગ કરતી હતી. આ દરમ્યાન પૂરપાટ ઝડપે દોડતી ગાડીએ  બાઈકને હડફેટે લીધું હતું. ભારે ટક્કરથી હતભાગી બાઈકચાલક ફંગોળાયો હતો અને ગંભીર ઈજાઓથી તત્કાળ મોત નીપજ્યું હતું. બનાવ બાદ અકસ્માત સર્જનાર ગાડીમાં ભરેલો માદક પદાર્થનો જથ્થો અન્ય ગાડીમાં  નાખીને લઈ જવાની પેરવી કરાઈ હતી. દરમ્યાન પોલીસને બનાવ અંગે જાણ કરાતાં ગાડીનો પીછો કરીને ઝડપી પાડી હતી અને માદક પદાર્થ સાથે આરોપીઓને ઝડપી પાડયા હતા. આ અંગે હજુ કાર્યવાહી ચાલુ  હોવાનું પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું. બનાવના પગલે રાપર સરકારી હોસ્પિટલ ખાતે લોકો મોટી સંખ્યામાં એકત્ર થયા હતા. દરમ્યાન, રાપર શહેર કોંગ્રેસ પ્રમુખ અશોક રાઠોડે આ બનાવ સંદર્ભે આક્રોશ વ્યક્ત કરતાં કહ્યું હતું કે, નશામુક્તિની વાતો વચ્ચે પોલીસ મથકની સામે જ અકસ્માત સર્જાયો અને માદક પદાર્થ અન્ય ગાડીમાં લઇ જવાયો ત્યાં સુધી પોલીસને જાણ ન થઇ તે બાબત કેટલી યોગ્ય તેવો સવાલ તેમણે કર્યો હતો. 

Panchang

dd